તલાળા ગીરઃ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. જળાશયોની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હીરણ નદીમાં ઘોડાપુર આવતા હીરણ -ડેમ-2ના તમામ 7 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે.પરિણામે તાલાલા પંથકમાં અનેક ગામોમાં હિરણ નદીના ધસમસતા પાણી ફરી વળ્યા છે. અને લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, પોરબંદર અને દેવ ભૂમિ દ્વારકામાં ભારે વરસાદની અનેક નદીમાં પૂર આવ્યા છે. જેમાં હીરણ નદી ગાંડી તૂર બનતા ડેમની સપાટીમાં વધારો થયો છે. હિરણ-2 ડેમનાં સાત દરવાજા જે એક-એક દરવાજો 27 ફૂટ ઉંચો અને 22 ફૂટ પહોળો છે. તે દરવાજામાંથી પાંચ દરવાજા ત્રણ ફૂટ અને બે દરવાજા 2 ફૂટ ખોલાયા હતા. પણ ત્યારબાદ વરસાદનું જોર વધતા રાત્રે બે વાગ્યે ડેમમાં પાણીનું લેવલ વધવા લાગ્યું હતું અને હિરણ 1 ડેમ સાઈટ પરના સ્ટાફ સાથે સંપર્ક થતા તેમણે ગંભીર સૂચના આપી હતી કે, હિરણ 1 ડેમ ત્રણ ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈને વહી રહ્યો છે. અને જોતજોતામાં હિરણ 2 ડેમની પણ સપાટી અચાનક વધવા લાગી હતી.
હીરણ-2 ડેમના ઈન્ચાર્જ ઈજનેરના કહેવા મુજબ હિરણ-2 ડેમમાં પાણીનો ભારે પ્રવાહ ભળવા સાથે સપાટી ઝડપથી વધવા લાગી હતી. આથી, ડેમના તમામ દરવાજા પુરેપુરા 27 ફૂટ બાય 22 ફૂટ ખોલી નાખતા પ્રતિ સેકન્ડ 1.49 લાખ ક્યુસેક પાણીનો જથ્થો ડેમમાંથી બહાર ધસમસવા લાગ્યો હતો. આમ છતાં તેની સામે 1.65 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી હતી. પરિણામે તમામ દરવાજા પુરેપુરા ખોલી નાંખ્યા હોવા છતા ડેમમાં પાણીનું સ્તર વધતું રહ્યું હતું. સદનસીબે વરસાદ તાલાલા અને જંગલમાં બંધ થતા પાણીની આવક ઓછી થવા પામી હતી. હિરણ 2 ડેમના તમામ દરવાજા પૂર્ણ ખોલવામાં 5 મિનિટ મોડુ થયું હોત તો તાલાલા, વેરાવળ પંથકની સ્થિતિ ભયજનક બની જાત. ઉલ્લેખનીય છે કે, 40 વર્ષમાં પ્રથમ વખત હિરણ 2 ડેમના તમામ સાતેસાત દરવાજા પુરેપુરા 27 ફૂટ ખોલવામાં આવ્યા છે.