વલસાડઃ રાજ્યભરમાં ગુલાબ વાવાઝોડાને કારણે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડામાં 6.8 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડમાં પણ 6.4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે મધુબન ડેમના 7 દરવાજા રાત્રે 1 વાગ્યે ખોલવામાં આવ્યાં છે. જ્યારે કપરાડાના બૂરલા ગામે કોલક નદી ઉપર બનાવેલો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં ચારથી પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે. ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતી ખાડીઓના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. ભેદવાડ ખાડી ભયજનક સપાટી 6.75 મીટરની લગોલગ છે, જ્યારે મીઠીખાડી ઓવરફલો થઈ શકે છે. ખાડીપૂરના સંક્ટથી પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી 2 લાખ પાણી છોડાઈ રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યભરમાં ગુલાબ વાવાઝોડાને પગલે વરસાદની આગાહી કરવામાં આવી હતીં. આગાહીને પગલે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે 1 વાગ્યાથી ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેમાં વલસાડના ધીબી તળાવ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે જિનત નગર, ગ્રીન પાર્ક, ભાગડાવડા તેમજ મોગરવાડી અને તિથલ રોડ પર પાણી ભરાયા છે. છીપવાડ અંડર પાસ અને મોગરાવાડી અંડર પાસમાં પાણી ભરાતાં વાહનો ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા ભારે વરસાદના પગલે મધુબન ડેમનું લેવલ 78.70 મીટર નોંધાયું છે. મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં વરસાદી પાણીની આવક વધી રહી છે. ડેમમાં છેલ્લા 8 કલાકમાં ડેમના ઉપરવાસમાં 398.62 mm (15.94 ઇંચ) વરસાદ પડ્યો છે. જેને લઈને ડેમમાંથી રાત્રે 1 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં ડેમના 7 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને 8 લાખ 95 હજાર 345 ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છેડવામાં આવ્યું હતું. જેને લઈને સેલવાસ, વલસાડ અને દમણના વહીવટી તંત્રની એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ડિઝાસ્ટર વિભાગે દમણ, સેલવાસ અને વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામના લોકોને નદીના તટ થઈ દૂર રહેવા અને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
મોડી રાતથી વરસી રહેલા ભારે વરસાદના પગલે કપરાડા તાલુકાના બૂરલા ગામ કોલક નદી ઉપર બનાવેલો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં ચારથી પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે. જ્યારે બીજી તરફસિલ્ધા ગામે પટેલપાડામાં ચવેચા ઓહળ નદી પર પણ લો લેવલ કોજવે પુલ હોવાથી દશથી બાર ફળિયાના લોકો સંપર્ક વિહોણા બન્યા છે. તો આચવેચા ઓહાળ નદી જે કોલક નદી ને મળે છે અને કોઝવે પુલ પરથી પાણી પસાર થતા લોકો પાણીમાંથી જીવ જોખમમાં નાખીને ગાડી લઈ પસાર થઈ રહ્યા છે.