અમરેલીઃ ગીર જંગલના વનરાજોને અમરેલી જિલ્લાનો રેવન્યુ વિસ્તાર માફક આવી ગયો હોય તેમ હવે તો શેત્રુંજી નદીના પટથી લઈને છેક રાજુલા સુધી સિહ શિકારની શોધમાં આવી ચડતા હોય છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શિકાર અને પાણીની તરસ છીપાવવા સિંહો રાજુલા વિસ્તારમાં આમથી તેમ ભટકી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે એક સાથે સાત સિંહો ધોળા દિવસે રસ્તો ક્રોસ કરી રહ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં આવેલી સિમેન્ટ કંપની નજીક જેટી રોડ ઉપર વહેલી સવારે એક સાથે સાત સિંહો રોડ ક્રોસ કરી રહ્યા હોવાનો વિડિયો સોશ્યલ વાયરલ થયો હતો. મોટાભાગે હાલ ઉનાળાની ઋતુમાં સિંહો પાણી અને નદી કાંઠો વધારે શોધતા હોય છે, જેના કારણે સિંહો ખુલ્લા વિસ્તારમાં હાઇવે ઉપર જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં વહેલી સવારે અને સાંજના સમયે સિંહોનું ગ્રુપ પાણી પીવા માટે અવર-જવર કરી રહ્યાનું જોવા મળે છે. ખાનગી કંપની નજીક દરિયા કાંઠો હોવાને કારણે દરિયાઈ ખાડી પણ છે અને ઠંડુ વાતાવરણ વધુ જોવા મળે છે.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ કોવાયા ગામ આસપાસ સિંહોનો મોટા પ્રમાણમાં વસવાટ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ગ્રુપ સાથે સિંહો જોવા મળે છે. એક સાથે સાત સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બીજી તરફ 5 દિવસ પહેલા કોવાયા ગામમાં આખલાએ 5 સિંહોને ભગાડ્યા હતા. તેવો પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વન વિભાગ દ્વારા લોકો સિંહને ખલેલ ન પહોચાડે તે અગે તકેદારી રાખવામાં આવે છે. (file photo)