મમતા બેનર્જીની જીદના કારણે બંગાળના 70 લાખ ખેડૂતો આર્થિક મદદથી રહ્યાં વંચિતઃ જે.પી.નડ્ડા
દિલ્હીઃ ચાલુ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. દરમિયાન આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડી બંગાળની મુલાકાતે ગયા હતા. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ બંગાળની જનતાએ ભાજપને જીતાળવાનું મન બનાવી લીધું હોવાનું જણાવ્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હતા. પ્રવાસ દરમિયાન તેમણે ખેડૂતો સાથે ભોજન કર્યું હતું. તેમણે જનસભાને સંબોધન કર્યું હતું. મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કરતા જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, બંગાળની પ્રજાએ ફોઈ અને ભત્રીજાને વિદાય આપવાનું મન બનાવી લીધું છે. હવે બંગાળના ખેડૂતો બંગાળમાં કમળ ખીલવશે અને બંગાળનો વિકાસ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીએ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા થતી 6000ની રકમની યોજના શરૂ કરી છે પણ મમતા બેનરજીએ જીદ કરીને આ સ્કીમને બંગાળમાં લાગુ થવા દીધી નથી.જેના કારણે બંગાળના 70 લાખ ખેડૂતો આર્થિક મદદથી વંચિત રહી ગયા છે. મમતા બેનર્જીએ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. બંગાળમાં જ્યાં પણ જઉં છું ત્યાં જય શ્રી રામનો નારો સાંભળવા મળે છે પણ મમતા બેનરજીને આ સાંભળીને ગુસ્સો કેમ આવે છે તે ખબર પડતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભાજપમાંથી અમિત શાહ સહિતના રાષ્ટ્રીય નેતાઓ બંગાળનો અવાર-નવાર પ્રવાસ કરે છે.