Site icon Revoi.in

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 7 નક્સલવાદીઓ ઠાર મરાયાં

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા જવાનોએ આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન તાજેતરમાં જ છત્તીસગઢમાં 29 જેટલા નક્સલવાદીઓને સુરક્ષા જવાનોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. દરમિયાન આજે પણ નારાયણપુરમાં સુરક્ષા જવાનો અને નક્સવાદીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ અથડામણમાં સાત જેટલા નક્સલવાદીઓના મોત થયાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં સાત નક્સલીઓને ઠાર કર્યા છે, જ્યારે ઘણા નક્સલવાદીઓ ઘાયલ થયા છે. તેમજ હજુ અક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે, એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરને લઈને એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની સંયુક્ત સુરક્ષા ટીમ ઓપરેશનમાં સામેલ હતી.

અધિકારીએ એએનઆઈને જણાવ્યું કે, નારાયણપુર-કાંકેર સરહદી વિસ્તારના અબુઝહમદમાં આજે સવારથી ડીઆરજી અને એસટીએફના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. નારાયણપુર જિલ્લામાં દળો સાથે ચાલી રહેલા ઓપરેશનમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. જ્યારે સુરક્ષા દળોના તમામ જવાનો સુરક્ષિત છે.

આ પહેલા 5 એપ્રિલે છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલવાદી માર્યો ગયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), બસ્તર ફાઇટર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનો કિરાંદુલ પોલીસ સ્ટેશનની સરહદે આવેલા જંગલમાં નક્સલ વિરોધી ઓપરેશન પર હતા. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો હતો.