અહો આશ્ચર્યમ, મુંબઈના પ્રાણીસંગ્રહાલયમાં 7 પેગ્વિંન પાછળ 3 વર્ષમાં રૂ. 15 કરોડનો કરાશે ખર્ચ
મુંબઈઃ શહેરના ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં આગામી 3 વર્ષ માટે 7 પેંગવિનની સંભાળ માટે લગભગ કરોડોના ટેન્ડર જાહેર કરવાના શિવસેના શાસિત બૃહ્નમુંબઈ મહાનગરપાલિકાના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા રવિ રાજાએ જણાવ્યું હતું કે, 3 વર્ષના હાલના કરાર હેઠળ પેંગવિન પર પહેલા જ 10 કરોડનો ખર્ચ કરાયો હતો હવે આ કરાર આ મહિનામાં ખતમ થઈ રહ્યો છે. આ મુદ્દે ભાજપ દ્વારા પણ શિવસેના ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યાં છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આટલો બધો ખર્ચ પેંગ્વિનની સંભાળ પાછળ કરવાની જરૂર શું છે તે સમજાતું નથી. બીએમસીએ ગયા મહિને જ 13મી ઓગસ્ટના રોજ પેંગ્વિનની દેખભાળ અને તેમના આઈસોલેશન તથા મેડિકલ ચેકઅપના નામ ઉપર 3 વર્ષ માટે 15.26 કરોડનું ટેન્ડર જાહેર કર્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે આ રાર કરવામાં આવી રહ્યો છે.
ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું હતું કે, કોવિડ ડ્યુટીમાં તૈનાત કર્મચારીને એક વર્ષથી રકમ ચુકાઈ નથી. જ્યારે સરકાર પેંગ્વિન પાછળ રૂ. 15 કરોડનો ખર્ચ કરવા તૈયાર થઈ છે. આ મુદ્દે શિવસેનાના નેતા કિશોરી પેડનેકરએ જણાવ્યું હતું કે, પેંગ્વિનના કારણે આવકમાં વધારો થયો છે. ખર્ચની સરખામણીએ વધારે આવક થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મહાઅઘાડી સરકારમાં શિવસેનાની સાથે કોંગ્રેસ અને એનસીપી પણ સામેલ છે. તેમ છતા પ્રાણીસંગ્રહાલયમાં પેંગ્વિનના સંભાળ માટે કરોડોના ખર્ચના મુદ્દે કોંગ્રેસ વિરોધ કરી રહી છે.