નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં એક મોટા આતંકવાદી હુમલામાં ડૉક્ટર સહિત સાત મજૂરોના મોત થયા છે. આ હુમલામાં અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા અને તેમની SKIMS શ્રીનગર અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ હુમલાની જવાબદારી લીધી છે. જે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા છે.
આતંકવાદી હુમલા અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલાખોરોએ રવિવારે રાત્રે એક લેબર કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ કેમ્પમાં શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર ગગનગીરમાં ઝેડ-મોર ટનલના નિર્માણમાં રોકાયેલી એક કંપનીના કામદારો રોકાયા હતા. હુમલાને ટાર્ગેટ કિલિંગ ગણાવવામાં આવી રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક ડૉક્ટર સહિત પાંચ અન્ય લોકોનું પાછળથી મોત થયું હતું. પાંચ ઘાયલોને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને SKIMS શ્રીનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતકોની ઓળખ પંજાબના ગુરદાસપુર નિવાસી ગુરમીત સિંહ, બડગામ નિવાસી ડોક્ટર શાહનવાઝ, અનિલ કુમાર શુક્લા, ફહીમ નઝીર, શશી અબરોલ, મોહમ્મદ હનીફ અને કલીમ તરીકે થઈ છે. આતંકવાદી હુમલામાં સાત વ્યક્તિઓના મોતના પગલે સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે અને આતંકવાદીઓને ઝડપી લેવા માટે ઓપરેશન શરુ કર્યું છે.