નવસારીઃ ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે લોકો દાંડીના બીચ પર ફરવા માટે આવી રહ્યા છે. અને ઘણા લોકો દરિયામાં નાહવા માટે પડતા હોય છે. રવિવારે રજાનો દિવસ હોવાથી ઘણાબધા લોકો દાંડીના દરિયાઈ બીચ પર ફરવા માટે આવ્યા હતા. દરમિયાન ત્રણ પરિવારોના 7 લોકો દરિયામાં નાહવા માટે પડ્યા હતા. અને થોડે દુર સુધી જતાં 7 લોકો દરિયાઈ મોજામાં તણાઈને ડુબવા લાગ્યા હતા. આથી કાંઠે ઊભેલા લોકોએ બુમાબુમ કરતા પોલીસ અને હોમગાર્ડના જવાનો દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી કરીને ત્રણ લોકોને બચાવી લીધા હતા. જોકે ચાર લાપત્તા હોવાથી ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે ત્રણ લોકોને ઉગારી લીધા હતા. જ્યારે માતા અને બે પુત્રો સહિત ચાર લોકો લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી શોધખોળ કરી રહ્યા છે. પોલીસે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓને દૂર કર્યા હતા. આ બનાવની જાણ થતાં નવસારી જિલ્લા કલેકટર પણ દાંડીના દરિયાકાંઠે દોડી આવ્યા હતા
નવસારી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આજે રવિવારની રજા હોય દાંડીના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા. દરિયાકાંઠે લોકો નાહવાની મોજ માણી રહ્યા હતા ત્યારે અલગ અલગ ત્રણ પરિવારોના 7 લોકો ડૂબ્યા હતા. જેમાં બે પરિવારના વિપુલભાઈ ઈશ્વરભાઈ હળપતિ, રાકેશ અને અતિશ નામના ત્રણ વ્યકિતને બચાવી લેવાયા હતા. જ્યારે નવસારીમાં રહેતા સુશિલાબેન નામના મહિલા તેમના પુત્ર યુવરાજ (ઉ.વ.20) , દેશરાજ (ઉ.વ.15) અને રાજસ્થાનથી ફરવા આવેલી બહેનની દીકરી દુર્ગા (ઉ.વ. 17) દરિયાના પાણીમાં ગરકાવ થતાં તેમની શોધખોળ ચાલી રહી છે.
ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંડીના દરિયામાં મોટી ભરતી હોય ચાર લોકો ડૂબી ગયાની જાણ થતા નવસારી-વિજલપોર ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. ફાયરની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી દરિયામાં શોધખોળ કરી રહ્યા છે. જલાલપોર પોલીસની ટીમે પણ દાંડીના દરિયાકિનારે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.