પાલનપુરઃ ગુજરાતમાં હાઈવે પરના ટોલનાકા પર નજીકના ગામડાંના લોકોને બબાલ થતી રહે છે. ત્યારે પાલનપુર નજીકના ખેમાણા ટોલ પ્લાઝા પર નજીકના ગામના 7 શખસો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ટોલ બુથ પર કાર કેમ રોકી અને ટોલ કેમ માગ્યો એ બાબતને લઇને ટોલબુથના કર્મચારી પર સાતથી આઠ જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બનાવમાં ટોલ કર્મચારીને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હુમલો કરનારા તમામ શખસો સરોત્રા ગામના હોવાનું જાણવા મળ્યુ આવ્યું છે. ટોલ બુથના કર્મચારી દ્વારા આ શખસો સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ શખસોને પકડવા કવાયત હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર તાલુકા પોલીસમાં જુનેદખાન ઉર્ફે કાળુભાઈએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે,ગત 22 ડિસેમ્બરના રોજ ખેમાણા ટોલાનાકા પર બુથ નંબર 1 પર પોતે નોકરી પર હતા ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ પાલનપુર તરફથી એક વર્ના કાર લઇને ચાલક આવ્યો હતો. તેની પાસે ફાસ્ટેગ ન હોવા છતાં પણ ફાસ્ટેગની લાઇનમાં કાર ઉભી રાખી હતી. આ શખસ ટોલ ભરતા ન હોય તેને ટોલ ભરવા માટે જણાવવામાં આવતા એ શખસ ઉશ્કેરાઈ ગયો હતો અને તું મને ઓળખતો નથી, હું સરોત્રા ગામનો છું. ફરિયાદી જુનેદખાને સાઇડમાંથી લોકલ વાહનો નીકળતા હોય ત્યાંથી જવા જણાવતા એ શખસે ગાળાગાળી કરી હતી.
આ બનાવ બાદ 23 ડિસેમ્બરના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ જુનેદખાનના ફોન પર એક ફોન આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ કહ્યુ હતું કે ગઇકાલે રાત્રે એક કાર ટોલ પર કેમ રોકી હતી. તું અમને ઓળખતો નથી. અમે સરોત્રા ગામના છીએ. અમારા ગામનું નામ પડતાં જ કોઇ ટોલ ટેક્સ માગતા નથી. તે કેમ ટોલ માગ્યો હતો. તું ક્યાં છે. તને પતાવી દેવો છે. જેથી જુનેદે પોતે નોકરી પર હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે જુનેદે તેના સહકર્મીઓને બનાવ અંગે જણાવ્યું હતું. ટોક નાકા પર ટોલ ભરવા બાબતે આવી નાની-મોટી તકરારો થતી રહેતી હોય જુનેદે અને તેના સહકર્મીઓએ આ ફોનને ગંભીરતાથી લીધો ન હતો. ત્યારબાદ જુનેદ બુથ નંબર 1 પર કેબીનમાં બેઠો હતો ત્યારે સાંજે સાતથી સાડા સાતની આસપાસ અમીરગઢ તરફથી એક આઇ ટ્વેન્ટી અને એક સ્વીફ્ટ કાર રોંગ સાઇડમાં આવી હતી. જેમાંથી સાત-આઠ લોકો બહાર આવ્યા હતા. જેમના હાથમાં લાકડીઓ, ધોકા તથા લોખંડની પાઇપ હતી. તેઓ દોડતા દોડતા જુનેદ જ્યાં બેઠો હતો ત્યાં આવ્યા હતા અને ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. રાત્રે સરોત્રા ગામના લોકોની ગાડી રોકી કોણે ટોલ માગવાની હિંમત કરી હતી, તેમ બોલવા લાગ્યા હતા. જે દરમિયાન નિકુલસિંહ રગંતસિહ ડાભી ટોલ બુથમાં જુનેદને જોઇ જતાં કાચની બારી પર ધોકો માર્યો હતો. તેમજ અન્ય લોકોએ જુનેદને કેબિનમાંથી બહાર ખેંચી કાઢ્યો હતો. લાકડી અને ધોકાથી માર મારવા લાગ્યા હતા. ટોલ બુથ પર હોબાળો થતો જોઇને અન્ય સહકર્મીઓ ત્યાં દોડીને આવી જતા હુમલાખોર શખસો ત્યાંથી જતા રહ્યાં હતા.
બનાવ અંગે જુનેદે પાલનપુર તાલુકા પોલીસમાં નિકુલસિંહ રંગતસિંહ ડાભી, અનિલસિંહ કાનસિંહ ડાભી, સતિષકુમાર અરવિંદભાઈ બારોટ, જશવંતસિંહ ઉર્ફે ભાણો અને બન્ટી બારોટ તથા અન્ય બેથી ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.