નવી દિલ્હીઃ આસામ પોલીસે શનિવારે રાત્રે કચર અને કરીમગંજ જિલ્લામાં ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં, મણિપુરના બે રહેવાસીઓ સહિત 7 શંકાસ્પદ ડ્રગ પેડલર્સની ધરપકડ કરી હતી અને 1.9 કિલોગ્રામ હેરોઈન અને 800 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સવારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી શેર કરી હતી. “ગઈકાલે, આસામ પોલીસના મજબૂત ગુપ્તચર નેટવર્કના આધારે બરાક ખીણમાંથી ડ્રગનો જથ્થો પકડી પડ્યો છે. કરીમગંજ પોલીસે એક દુકાન પર દરોડા પાડીને લગભગ 800 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો અને એક વ્યક્તિની ધરપકડ કરી. કચર પોલીસે બે ઓપરેશન હાથ ધર્યા અને ₹9.5 કરોડનું 1.9 કિલો હેરોઈન જપ્ત કર્યું અને 6 લોકોની ધરપકડ કરી,” તેમણે X પર લખ્યું.કચરના પોલીસ અધિક્ષક (એસપી) નુમલ મહત્તાએ જણાવ્યું હતું કે “હેરોઈનનું કન્સાઈનમેન્ટ મણિપુરના ચુરાચંદપુરથી આવ્યું હતું. નાર્કોટીક્સ પદાર્થનું કન્સાઈનમેન્ટ મણિપુરના ચુરાચંદપુરથી ગેરકાયદેસર રીતે સરહદમાં લાવવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી માટે તપાસ ચાલુ છે. બાતમીના આધારે પોલીસે રાત્રે બે વિશેષ ઓપરેશન હાથ ધર્યા, એક ધોલાઈમાં અને બીજું લખીપુરમાં અને છ આરોપીઓની ધરપકડ કરી.” ધોલાઈ મિઝોરમ સાથે સરહદ ધરાવે છે, જ્યારે લખીપુર મણિપુર સરહદની નજીક સ્થિત છે.
કરીમગંજમાં પોલીસે 800 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. કરીમગંજના એસપી પાર્થ પ્રતિમ દાસે જણાવ્યું હતું કે, “માહિતીના આધારે ખાનગી ટ્રાવેલ એજન્સીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને લગભગ 800 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે તમામ સાત આરોપીઓની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતા. તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
ડ્રગ્સ સામેના યુદ્ધ માટે પોલીસ વિભાગની પ્રશંસા કરતા, સીએમ સરમાએ લખ્યું, “આ ઓપરેશન્સ અને જપ્તીઓ રાજ્યમાં ડ્રગની સાંઠગાંઠને નબળી બનાવી રહ્યા છે. શાબાશ આસામ પોલીસ”.