અમદાવાદઃ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી નજીક પાંજરાપોળ રોડ પર નવનિર્મિત એસ્પાયર-2 બિલ્ડીંગમાં લિફ્ટનું સેન્ટ્રીંગ કામ કરતી વખતે અચાનક જ માંચડો તૂટી પડતા આઠ શ્રમિકો 13 માળેથી પટકાતા સાત શ્રમિકોના મોત નિપજ્યા હતા જ્યારે એક શ્રમિકને ગંભીર ઈજા થઈ હતી. મૃતક દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારોને સાત્વના પાઠવી હતી
અમદાવાદ શહેરમાં પાંજરાપોળથી ગુજરાત યુનિવર્સિટી તરફ જતાં રોડ પર એસ્પાયર-2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યુ છે. દરમિયાન બુધવારે બાંધકામ સાઈટ પર 13મા માળેથી માચડો તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા હતા, જેમાં સાતનાં મોત થયાં હતાં અને એકને ગંભીર ઈજા પહોંચી હતી.આ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ રોડ પર એસ્પાયર-2 બિલ્ડિંગ નિર્મણાધિન છે. આ બિલ્ડિંગના 13મા માળે સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિકો કરી રહ્યા હતા. આ કામ દરમિયાન 13મા માળનો માંચડો ભારે વજનને કારણે તૂટ્યો હતો. સ્લેબ તૂટતાં જ આઠેય શ્રમિકો એકસાથે નીચે પડ્યા હતા. શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8મા માળે નેટ પણ બાંધી હતી. શ્રમિકો 8મા માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા, પરંતુ ભારે વજનને કારણે નેટ પણ તૂટી પડી હતી. નેટ તૂટતાં 8માં માળેથી શ્રમિકો ધડાકા સાથે નીચે પડ્યા હતા. એમાં 2 શ્રમિક ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા, જ્યારે 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા.
સઊ6એ ઉમેર્યું હતું કે, એસ્પાયર-2 બિલ્ડિંગના 13માં માળે 25 ટકા કામ થઈ ગયું છે. લિફ્ટનો સ્લેબ ભરવા માટે સેન્ટ્રિગ લગાવતા હતા, પરંતુ વજન વધી ગયું હતું. 13મા માળેથી માઇનસ-2 બેઝમેન્ટમાં 8 શ્રમિક પટકાયા હતા. આમ 15 માળ અને 45 મીટર જેટલી ઊંચાઈ પરથી શ્રમિકો પટકાયા હતા. માઇનસ-2 બેઝમેન્ટમાં પાણી ભરાયેલું હોવાથી શ્રમિકોના લોહીથી પાણીનો રંગ પણ લાલ થઈ ગયો છે. અંદર સીડી પણ મૂકી છે, જેના દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને પમ્પિંગ કરીને પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં બનેલી ગોઝારી ઘટનાની પોલીસને મોડી જાણ થઈ હતી. એક કલાક સુધી પોલીસને આ જાણ કેમ ના કરવામાં આવી એ અંગે અનેક તર્કવિતર્કો છે.