મોરબીઃ શહેર અને જિલ્લાના સિરામિકના 700થી વધુ એકમોએ વ્યાપક મંદી અને અનેક વિટંબણાઓને કારણે એક મહિનાનું શટડાઉન જાહેર કર્યું છે. કાચા માલનો ભાવવધારો અને સિરામિક પ્રોડક્ટ્સમાં માગનો અભાવ સર્જાવાને લીધે ઉત્પાદન બંધ કરીને પુરવઠો હળવો કરવાનું ગયા મહિને નક્કી થયું હતું. 15 ઓગસ્ટથી ડિસ્પેચ પણ અટકાવી દેવામાં આવશે. જોકે તેનાથી ટ્રક – ટ્રાન્સપોર્ટેશન, બાંધકામ, પેકેજિંગ ઉદ્યોગ, મજૂરો અને નાના મોટા અનેક વેપારીઓને અસર થશે. શટડાઉનને કારણે કરોડોના વ્યવહારો ઠપ થઈ ગયો છે, ઉપરાંત અનેક લોકોએ રોજગારી ગુમાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી સિરામિક ઉદ્યોગની 700 જેટલી ફેક્ટરીઓએ પ્રથમ દિવસથી જ ઉત્પાદન થંભાવી દેતાં હજારો ટ્રકોના પૈડાં પણ એક મહિનો થંભી ગયા છે. બહારના રાજ્યમાંથી ગોળ, ખાંડ જેવી વસ્તુઓ ભરીને ટ્રક આવતા હતા પણ હવે સિરામિકનું લોડિંગ બંધ હોવાથી ખાલી જવું પડતું હોવાથી ટ્રકનાં ભાડાં વધ્યાં છે. સૌથી વધુ અસર સિરામિકના લાખો મજૂરોને થઈ રહી છે. કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતા હજારો પરપ્રાંતીયો અને સ્થાનિક મજૂરોને 10 હજારથી’ 25 હજાર સુધીનું માસિક વેતન મેળવતા હતા, એમાં મોટો કાપ આવ્યો છે. ઘરનું બજેટ વેરવિખેર થવાથી તહેવારો બગડશે. તેની અસર કરિયાણાના વેપારી તેમજ સોના-ચાંદીના વેપારીને પણ અસર થશે. સિરામિક ઉદ્યોગનો બેન્કમાં અને આંગડિયામાં કરોડોનો વહીવટ થતો હોય આ ટર્નઓવર અટકી જતા બેંકો અને આંગડિયા સહિતની પેઢીને પણ અસર થશે. પેપર ઉદ્યોગ તેમજ પેકેજિંગ ઉદ્યોગને પણ સીધી અસર થશે. તેનો કાચો માલ સિરામિકમાં વપરાતો હોય એવા નાના મોટા એકમોને અસર થશે.
મોરબી સિરામિક ઉદ્યોગ બંધ થવાનો હોવાથી એક મહિનો બંધ રહેતા સિરામિકનું અંદાજિત પાંચ હજાર કરોડનું ટર્ન ઓવર ઠપ થશે અને અંદાજિત 20 કરોડ ટાઇલ્સ બોક્સનું ઉત્પાદન બંધ થશે. 2 લાખ મજૂરોને રોજીરોટીની અસર ઊભી થઈ છે. સિરામિક સાથે સીધી રીતે જોડાયેલા પેકેજિંગ, સ્ટીપ, રો મટિરીયલ, પ્રે ડાયર, પેપર મિલ જેટલા 500 યુનિટોને અસર થશે. જેનાથી ઉત્પાદન ઓછું થતા મજૂરોના પગાર સહિતની અનેક પરિસ્થિતિ ઉદભવી છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં દરરોજ 80 લાખનો નેચરલ ગેસ વપરાય છે. જેમાં હાલ મંદી આવતા અમુક યુનિટો વહેલા બંધ થવાથી 40 લાખનો ગેસ ગુજરાત ગેસ કંપનીનો અને 20 લાખનો પ્રોપ્રેન ગેસ વપરાય છે. આમ દરરોજનો 60 લાખના ગેસ વપરાશ ઘટશે જેની સીધી અસર ગેસ કંપનીને થશે. ગેસ બંધ કરવા અને મેઇન્ટેનન્સ કરવા બાબતે ગેસ કંપનીને જાણ કરી હોવાની સિરામિક એસો.એ જણાવ્યું હતું.