Site icon Revoi.in

રાજકોટમાં આઈસસ્ક્રીમ માટે સ્ટોક કરેલો 7000 કિલો અખાદ્ય મલાઈનો જથ્થો ઝડપાયો

Social Share

રાજકોટઃ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા રેડ પાડીને અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ઝડપી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે આરોગ્ય વિભાગની ટીમે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા આઈસ્ક્રીમ બનાવતી એક ફર્મના કોલ્ડ સ્ટોરેજમાંથી અખાદ્ય 7000 કિલો મલાઈનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ તમામ જથ્થો રૈયારોડ પર આવેલી એક ડેરીનો હોવાની વિગતો મળતા  આરોગ્ય વિભાગે તમામ જથ્થાનો નાશ કરી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ રાજકોટ શહેરમાં આઈસસ્ક્રીમ બનાવવા માટે સ્ટોક કરેલા 7000 કિલો અખાદ્ય મલાઈનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. શહેરમાંથી નકલી દૂધ, ઘી ઝડપાયું હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે. આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડીને ઘણીવાર અખાદ્ય મીઠાઈઓને પણ ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવતો હોય છે. મોટી મોટી બ્રાન્ડની ખાદ્ય ચીજોના સેમ્પલની ગુણવત્તાઓ પણ નબળી નીકળે છે. ઘણાં પિત્ઝા સ્ટોરમાંથી વંદો, જીવડો કે જીવાત નીકળી હોવાના પણ અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આ જ શ્રેણીમાં સામેલ થઈ શકે તેવો બનાવ રાજકોટમાં બનવા પામ્યો છે. આ વખતે એક્સપાયરી થઈ ગયેલી મલાઈનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

આરએમસીના આરોગ્ય વિભાગના ચેકિંગમાં દરમિયાન શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા આઈસ્ક્રીમ બનાવતી એક ફર્મના કોલ્ડ સ્ટોરેજમાંથી અખાદ્ય 7000 કિલો મલાઈનો જથ્થો ઝડપી પાડ્યો હતો.  આ મલાઈ એક મિલ્ક ડેરીની હતી અને તેનું ઉત્પાદન જાન્યુઆરીથી માર્ચ મહિનાના ગાળામાં કરવામાં આવ્યું હતું. સરધાર રોડ પર આવેલા રફાળા ગામે મલાઈનું ઉત્પાદન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. આ મલાઈનો જથ્થો જેની કુલ માત્રા લગભગ 7000 કિલો એટલે કે 7 ટન જેટલી થવા જાય છે તે એક્સપાયરી થઈ ગઈ હતી. આ અખાદ્ય મલાઈનો જથ્થો એક કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવ્યો હતો. જેને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ મલાઈનો ઉપયોગ જંક ફૂડ અને બીજી ઘણી મિલ્ક પ્રોડક્ટમાં થતો હોવાનું જાણવા મળ્યુ છે. શહેરના  ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા મિલ્ક ફૂડ સ્ટોરના ગોડાઉનમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડામાં આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. હવે આગળ શું કાર્યવાહી હાથ ધરાશે તે તપાસ બાદ સામે આવી શકશે.