Site icon Revoi.in

સુરતમાં પોલીસ દ્વારા 7000 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. ત્યારે સાયબર ક્રાઈમના બનાવો સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરના 7,000થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરવાનું વિશેષ આયોજન કરાયું હતું.  શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય રેલમંત્રી દર્શના જળદોષ, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ઇન્દોર સ્ટેડિયમ ખાતે સાયબર જાગૃતિ અંગેનું ખાસ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં સાઇબર ક્રાઇમની સામે લોકોની જાગૃતતા વધે તેમ માટે જુદા-જુદા પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સાયબર સંજીવની 2.0 કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. ત્યારે સાયબર સંજીવની અંતર્ગત સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરની જુદી-જુદી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંચાલકોને બોલાવી જાગૃત કરાયા હતા. આ કાર્યક્રમમાં 7,000થી વધુ શાળાના વિદ્યાર્થી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ , ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં શહેર પોલીસ દ્વારા આયોજિત સાયબર સંજીવની 2.0 કાર્યક્રમમાં જુદા જુદા પ્રકારના જાગૃતિ દર્શાવતા નાટકો ભજવાયા હતા.સાયબર ફ્રોડની જાગૃતિ દર્શાવતી ફિલ્મે હાજર સૌને રસપ્રદ અને ઉપયોગી જાણકારી આપી હતી.તેમજ હાજર મંત્રીઓના હસ્તે શહેરના વિવિધ વિસ્તારના શાળાના સંચાલકો, શિક્ષકો, ટ્રસ્ટીઓને બ્રાન્ડ એમ્બેસેડર સન્માનપત્ર અર્પણ કરાયા હતા. પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો કે વધતા સાયબર ફ્રોડ અંગે સૌ પ્રથમ જો શિક્ષકો જાગૃત થશે તો તેઓ તેમના વિદ્યાર્થીઓને જાગૃત કરી શકશે અને વિદ્યાર્થીઓ જો જાગૃત બનશે તો દેશનું ભવિષ્ય મજબૂત બનશે. ઉપરાંત બાળકો સાઇબર ફ્રોડ અંગે ઘરે પોતાના માતા પિતાને જાગૃત કરી શકશે અને સાચા અર્થમાં ફ્રોડ કરનારાઓને નાથી શકાશે. આજ રીતે શહેમાં જાગૃતતા ફેલાવવામાં આવશે તો શહેરમાં વસતા 80 લાખ લોકો સુધી સાયબર સંજીવનીની જાગૃત કરવાનો હેતુ સિદ્ધ થઈ શકે તેમ છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રિય રેલમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ સુરત આગળ વધી રહ્યું છે. રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, નાની ઉંમરના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા થકી સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે, જે સમાજ માટે ચિંતાજનક અને લાલબત્તી સમાન સામે આવી રહ્યું છે. આજે દરેક વાલીઓએ તે વિચારવા જેવી બાબત બની છે. જ્યારે આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને પોલિસ વિભાગ સાથે મળીને સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓને જાગૃત્ત કરશે. આ પ્રયાસોથી વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો પાસે જ્ઞાન મેળવી પરિવારને પણ જાગૃત કરશે. જેના કારણે જાગૃતિની સાંકળ ઉભી થશે. આ ઉપરાંત શિક્ષકો 60 મિનિટના લેક્ચરમાં 5 મિનિટ સાયબર ક્રાઈમ વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસશે તો અવશ્યપણે સાયબર ક્રાઇમ, ઓનલાઈન સાયબર ફ્રોડનું પ્રમાણ ઓછું થશે.