Site icon Revoi.in

નર્મદા ડેમના નિર્માણમાં 70 હજાર કરોડ ખર્ચાયા, રાજ્યમાં પાણી પહોંચાડવા 21,651 કરોડનો ખર્ચ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણમાં 9000 કરોડનો ખર્ચ થયો છે જ્યારે નર્મદાના નીરને  ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા પાછળ રૂપિયા 21,651.71 કરોડનો ખર્ચ થયો છે. નર્મદા ડેમ આજે પણ સિવિલ કન્સ્ટ્રકશન ક્ષેત્રે એક માઈલ્ડસ્ટોન ગણવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી સમા નર્મદા યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાણી તેમજ વીજળી મેળવી રહ્યું છે.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં વિદાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ નર્મદા ડેમને અનુલક્ષીને પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છને નર્મદા નિરથી નવપલ્લીત કરવા પાછળ 21,651 કરોડ ઉપરાંતનો તોતિંગ ખર્ચ થયો છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે,  બે વર્ષમાં નર્મદા ડેમ કેટલા દિવસ ઓવરફ્લો થયો અને કેટલું પાણી વહી ગયું.  તેના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  વર્ષ 2020 માં 26 દિવસ ઓવરફ્લો રહ્યો હતો. જેમાં 2.20 લાખ ક્યુસેક સરેરાશ પાણી નીચાણવાસમાં વહી ગયું હતું. એટલે કે દરિયામાં 1619.73 કરોડ લીટર પાણી નિરર્થક વહી ગયું હતું. ગત વર્ષ 2021 માં ડેમ ઓવરફ્લો થયો ન હતો.

​​​વિસાવદરના ધારાસભ્યએ  છેલ્લો સવાલ પૂછ્યો હતો કે, બે વર્ષમાં ડેમમાં કેટલું પાણી સંગ્રહ થયું. તેના પ્રત્યુતરમાં જણાવાયું હતું કે,   વર્ષ 2020માં 4194 મિલિયન ઘનમીટર જળસંગ્રહ થયો હતો. જ્યારે 2021 માં ડેમ સંપૂર્ણ ન ભરાતા સ્ટોરેજ અડધુ રહી માત્ર 2000 મિલિયન ઘનમીટર રહ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા યોજનાને લીધે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાને અંત આવ્યો છે. સૌની યોજના સૌરાષ્ટ્રના  હેઠળ ડેમ પણ ભરવામાં આવી રહ્યા છે. (file photo)