લો બોલો, રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળામાં 7098 શિક્ષકો યોગ્ય લાયકાત વિનાના !
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલોમાં સંતાનોને ભણાવવામાં વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. બીજી તરફ રાજ્યમાં બીલાડીની ટોપની જેમ ખાનગી શાળાઓ ખુલવા લાગી છે. દરમિયાન વિધાનસભામાં સરકારે ખાનગી પ્રાથમિક શાળાઓને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યની 3065 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 જેટલા શિક્ષકો યોગ્ય લાયકાત વિના ભણાવતા હતા.
ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતની 3065 ખાનગી પ્રાથમિક શાળામાં 7098 શિક્ષકો યોગ્ય લાયકાત વિના ભણાવતા હતા. પ્રાથમિક શાળાઓમાં લાયકાત ન ધરાવતા શિક્ષકોની સંખ્યા સૌથી વધુ અમદાવાદમાં છે. અમદાવાદમાં 2361 શિક્ષકો, કચ્છમાં 686, સુરતમાં 609 શિક્ષકો, રાજકોટમા 508 શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવતા ના હોવા છતા પ્રાથમિક શાળામાં ભણાવી રહ્યાં હતા. ગુજરાતના આદીજાતિ વસ્તી ધરાવતા જિલ્લા તાપી, નવસારી, વલસાડ, અરવલ્લી, નર્મદા, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં લાયકાત ન ધરાવતા શિક્ષકોની સંખ્યા નથી.
વિધાનસભા ગૃહમાં લેખિત સ્વરૂપે પુછાયેલા પ્રશ્નમાં વિપક્ષે એવી પણ માંગ કરી છે કે, અયોગ્ય અને લાયકાત વિનાના શિક્ષકોને તાકીદે દૂર કરીને શિક્ષણના પાયા સ્વરૂપ પ્રાથમિક શિક્ષણને બચાવવા સરકારે કાર્યવાહી કરવી જરૂરી છે.