- રાજ્યમાં ઓવરસ્પીડીંગના 95 ટકા જેટલા બનાવો નોંધાયાં
- કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના બનાવોને લઈને રિપોર્ટ જાહેર કર્યો
અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં માર્ગ અકસ્માતના 15 હજારથી વધારે બનાવો નોંધાયા હતા. આ ઘટનામાં સાત હજારથી વધારે લોકોનું અવસાન થયું છે. 95 ટકા જેટલા અકસ્માત ઓવરસ્પિડીંગના કારણે જ બન્યાનું સામે આવ્યું છે. આમ રાજ્યમાં દરરોજ માર્ગ અકસ્માતના બનાવોમાં સરેરાશ 43 વ્યક્તિઓના મૃત્યુ થાય છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્યમાં એક વર્ષમાં હિટ એન્ડ રનના બનાવોમાં 1429 વ્યક્તિઓના મોત થયાં હતા. આ ઉપરાંત હેલ્મેટ વિના 1814 અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટના અભાવે 891 વ્યક્તિઓના મોત થયાં છે. રાજ્યમાં એક વર્ષમાં અકસ્માતના 15751 બનાવમાં 7168 વ્યક્તિઓના મોત થયાં છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતના બનાવોનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, 2022માં દેશમાં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાંથી 1,51,997 એટલે કે 32.9 ટકા અકસ્માતો એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે (NH) પર થયા હતા. જ્યારે રાજ્યના ધોરીમાર્ગો પર 1,06,682 એટલે કે 23.1 ટકા અકસ્માતો થયા હતા. જ્યારે 2,02,633 એટલે કે 43.9 ટકા અકસ્માતો અન્ય માર્ગો પર થયા છે. માર્ગ અકસ્માતોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 11.9 ટકાનો વધારો થયો છે અને તેના કારણે મૃત્યુદરમાં 9.4 ટકાનો વધારો થયો છે. અકસ્માતોમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યામાં 15.3 ટકાનો વધારો નોંધાયો હતો.