અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાટોપ વાદળો ગોરંભાયા હોવા છતાંયે મેઘરાજા મન મુકીને વરસતા નથી. હવે તો હવામાન ખાતાની આગાહી પણ ખોટી પડી રહી હોય એમ લાગી રહ્યું છે. શહેરમાં હજુ 72 ટકા વરસાદની ઘટ છે. જોકે 26મી જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ અરબી સમુદ્ર પાસે સક્રિય થયેલું અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થિર થઈ ગયું છે. જેથી વરસાદ ખેંચી લાવે તેવી સિસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વાદળો ઘેરાવા છતાં વરસાદ પડતો નથી. શહેરમાં સરેરાશ 35 ઈંચ વરસાદની સામે અત્યાર સુધીમાં માત્ર 10 ઈંચ વરસાદ પડ્યો છે. જો કે, હજુ 72 ટકાની ઘટ છે. શહેરમાં માત્ર જૂનના છેલ્લા સપ્તાહમાં અને જુલાઈના મધ્યમાં થોડો વરસાદ પડ્યો હતો. 29 જૂનની આસપાસ શહેરમાં સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. એ પછી વરસાદ ખેંચી લાવતી સિસ્ટમ અટકી જતાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે, આગામી ચાર દિવસ શહેરમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં આ વખતે જૂનના છેલ્લા, જુલાઈના બીજા સપ્તાહમાં જ હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાત સહિત દેશમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં 10થી 15 અને અમદાવાદમાં 20થી 25 જૂન વચ્ચે ચોમાસું બેસી જતું હોય છે. આ વર્ષે શહેરમાં ચોમાસાનો 26 જૂને વિધિવત્ પ્રારંભ થયો હતો. પરંતુ વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાત પહોંચ્યા પછી નબળી પડી જતાં જૂનના છેલ્લા અઠવાડિયામાં તેમજ જુલાઈના બીજા અઠવાડિયામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યા પછી વરસાદનું જોર ઘટ્યું હતું. જો કે, સૌરાષ્ટ્ર પર સ્થિર થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન રાજસ્થાન તરફ આગળ વધ્યું હોવાથી આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.