વેરાવળઃ હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની સાથે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી ખભેખભા મિલાવીને કોરોનાના દર્દીઓની સેવા માટે કાર્યરત છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસપાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન પ્લાન્ટ માટે રૂા. 50 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. ઉપરાંત, ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટ હાઉસના 72 રૂમ પણ કોવિડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને સુપ્રત કરવામાં આવ્યા છે.
સોમનાથ ટ્રસ્ટ હંમેશાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રીમસ્થાને હોય છે. ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી અને તેમની ટીમના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સતત સેવાકીય પ્રવૃતિઓની સાથે મુશ્કેલીના સમયમાં લોકોને મદદરૂપ થવા તત્પર રહે છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસપાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન પ્લાન્ટ માટે રૂા. 50 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ કોરોના દર્દીઓની સારવાર માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. વેરાવળ શહેર તથા આસપાસનાં ગામડાંના લોકોને કોરોનાની સારવાર માટે ઓક્સિજનની જરૂરિયાત સમયે આ પ્લાન્ટ અત્યંત ઉપયોગી બની રહેશે. આ ઉપરાંત, સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લીલાવતી ગેસ્ટહાઉસના 72 રૂમ કોવિડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને આપવામાં આવ્યા છે. તદુપરાંત, દરરોજ 200થી વધુ કોરોના પોઝિટિવ અને હોમ આઇસોલેશનમાં રહેલા નાગરિકોને ટિફિન મારફતે ભોજન પહોચાડવામાં આવે છે. કોરોનાની આ બીજી ઘાતક લહેરના સમયમાં રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગના સતત પ્રયત્નોની સાથે વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા ખભેખભા મિલાવીને કરવામાં આવી રહેલી કામગીરી ખરેખર કાબિલેદાદ છે.