નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2014ની સરખામણીએ 2021માં ઉગ્રવાદી ઘટનાઓમાં 74 ટકા સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકોના મૃત્યુના પ્રમાણમાં પણ 60 અને 84 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં સાત હજાર જેટલા ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ સુરક્ષા સ્થિતિમાં સુધારો થતા અસમના 23 જિલ્લામાંથી પૂર્ણરૂપથી અને 1 જિલ્લામાં આશિંકરૂપથી AFSPA હટાવવામાં આવ્યો છે. જ્યારે મણિપુરના 6 જિલ્લાના 15 પોલીસ સ્ટેશન વિસ્તારને અશાંત વિસ્તારની યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળનો વિસ્તાર ઘટાડવામાં આવ્યો છે. દાયકાઓ પછી, ભારત સરકારે પૂર્વોત્તરમાં ‘અશાંત વિસ્તારો’નો અવકાશ ઘટાડી દીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપતાં તેમણે કહ્યું કે આ પગલું સુરક્ષાની સ્થિતિમાં સુધારો અને ઉત્તર પૂર્વમાં ઝડપી વિકાસનું પરિણામ છે. શાહે કહ્યું કે ભારતના આ ભાગને દાયકાઓ સુધી અવગણવામાં આવ્યો હતો પરંતુ મોદી સરકારનું ધ્યાન તેના પર છે.
આસામ અને મેઘાલય વચ્ચેના 50 વર્ષ જૂના સરહદ વિવાદને ઉકેલવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા હતા. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કર્યા. બંને રાજ્યો 885 કિમીની સરહદ ધરાવે છે. તેમની વચ્ચે 12 જગ્યાએ સરહદી વિવાદ થયો હતો.
AFSPA સંસદ દ્વારા 1958માં પસાર કરવામાં આવી હતી. તેનું પૂરું નામ આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, 1958 (AFSPA) છે. AFSPA 11 સપ્ટેમ્બર, 1958 ના રોજ અમલમાં આવ્યું હતું. શરૂઆતમાં, તે પૂર્વોત્તર અને પંજાબના તે વિસ્તારોમાં લાદવામાં આવ્યો હતો જેને ‘અશાંત વિસ્તારો’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના ‘અશાંત વિસ્તારો’ પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદે છે. સપ્ટેમ્બર 2017 સુધીમાં, મેઘાલયના લગભગ 40 ટકા વિસ્તારમાં AFSPA અમલમાં હતું. બાદમાં, ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા કર્યા પછી, રાજ્ય સરકારે મેઘાલયમાંથી AFSPA સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો.
(PHOTO-FILE)