Site icon Revoi.in

રાજકોટમાં સરકારી મિલ્કતોનો 75.86 કરોડનો વેરો બાકી છે, છતાં મ્યુનિ.કોર્પોરેશન કોઈ પગલાં લેતી નથી

Social Share

રાજકોટઃ કોરોનાના સંક્રમણને કારણે શહેરની મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો છે. સાથે ખર્ચમાં વધારો થતાં મ્યુનિ.ની આર્થિક હાલત કથળી છે. તેથી બાકી વેરા ઉધરાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના અનેક બિલ્ડિંગોનો વેરો બાકી બોલે છે. જેમાં રેલવેની મિલ્કતોનો 15.5 કરોડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 8 કરોડથી વધુ વેરો બાકી બોલે છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની આર્થિક સ્થિતિ હાલક ડોલક થઇ રહી છે. કોરોનાની અસર હવે મ્યુનિની તિજોરી પર જોવા મળી રહી છે. હાલ મ્યુનિની તિજોરીમાં વેરાની આવકમાં મોટું ગાબડું પડ્યું છે. જ્યાં રૂ. 340 કરોડના લક્ષ્યાંક સામે ખુદ સરકારી મિલકતનો રૂ.75.86 કરોડનો વેરો બાકી છે. તેમાંય સૌથી વધુ વેસ્ટર્ન રેલ્વેના રૂ.15.5 કરોડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 8.10 કરોડનો વેરો ભરપાઈ કરવાનો બાકી છે છતાં મ્યુનિ.કોર્પોરેશનના વેરા વસુલાત શાખા  નિંભર સરકારી બાબુઓ નિષ્ક્રિય છે.

કોરોનાને કારણે મ્યુનિની આવકમાં ઘટાડો થતાં હવે આવક અને ખર્ચ ભેગા કરવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હોસ્ટેલનો વેરો ઘટાડવાની જીદ કરી છે પરંતુ તેની સામે નિયમ મુજબ મ્યુનિ. પુરા પૈસા વસૂલી શકે છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વાંધા વચકા રજૂ કરી વેરા વિભાગના રૂ. 8.10 કરોડ અટકાવી દીધા છે.

હાલ રાજ્ય સરકાર દ્વારા સમયસર ગ્રાન્ટ ફાળવવામાં નહિ આવે તો આ વર્ષે પણ મોટાભાગની સરકારી કચેરીઓ વેરો ભરી શકશે નહીં. કારણ કે જો કોઈ સામાન્ય માણસનો વેરો બાકી હોય છે ત્યારે મનપા એક્શન મોડમાં આવી જાય છે ત્યારે મ્યુનિ.કોર્પોરેશન સરકારી મિલકતો વિરુદ્ધ સિલિંગ અથવા તો જપ્તીની કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહેશે

દર વર્ષે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષના છેલ્લા ત્રણ-ચાર માસમાં જ આવી કાર્યવાહી કરતી રહી છે. ચાલુ વર્ષે રૂ।. 340 કરોડના લક્ષ્યાંકમાં રોજ રૂ।. દોઢથી બે કરોડ વસુલાય તો જ લક્ષ્યાંક પૂરો થઈ શકે તેમ છે ત્યારે માત્ર કહેવા પુરતા સીલીંગને બદલે મોટા માથાઓ કે જ્યાં કદી કડક વસુલાત નથી થતી પણ તેમની પાસે જ લાખો રૂપિયાનું લેણુ બાકી છે ત્યાં વસુલાત થાય તો મ્યુનિ.કોર્પોરેશનની સ્થિતિ સુધરે તેમ છે.