અમરેલી જિલ્લામાં 114.86 એકર જમીનમાં 75 અમૃત સરોવરઃ શનિવારે CM, રાજ્યપાલ મુલાકાત લેશે
ગાંધાનગરઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાનને સહર્ષ વધાવી લેતા અમરેલી જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાયું છે. આ પૈકી અમરેલી જિલ્લાના દુધાળા ખાતે લોકભાગીદારીથી ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલા અમૃત સરોવરની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ જળ સિંચનના કામોનું નિરીક્ષણ કરશે. હાલ ચોમાસાની ઋતુ હોઈ શ્રીકાર વર્ષાને પગલે સરોવરોમાં નવા નીર આવ્યા છે ત્યારે જળસિંચનના આ કાર્યોથી જનસુખાકારીમાં વધારો થશે.
અમરેલી જિલ્લામાં અલગ અલગ સરકારી વિભાગો, લોકભાગીદારી અને સી.એસ.આર એક્ટિવિટી દ્વારા 75 અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ સરોવરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે જ્યારે સરોવરની સુશોભનની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદી મુજબ આ સરોવરો આશરે 114.86 એકર જમીનમાં નિર્માણ કરવામાં આવ્યા છે. આ 75 અમૃત સરોવરના નિર્માણ થકી 25.40.887 ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે. જ્યારે આ કામગીરીમાં 1,26,343 માનવદિનની રોજગારીનું સર્જન પણ થયું છે. આ અમૃત સરોવરના નિર્માણ કાર્યમાં અંદાજિત રૂ 3,74,17,600નો ખર્ચ થયો છે.
આગામી સ્વાતંત્ર્ય દિન સુધીમાં પ્રત્યેક અમૃત સરોવર પર ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ શકે એ મુજબની કામગીરી અને તૈયારીઓ ચાલી રહી છે. આ અમૃત સરોવરનું ગામના વિકાસમાં યોગદાન રહેશે. અમૃત સરોવર દ્વારા પ્રવાસન, લોક સંસ્કૃતિ, કલાના વિકાસનું સ્થળ, રોજગારી, ખેત ઉત્પાદન, સિંચાઈ વગેરે આયોજનના વિકાસ દ્વારા સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસનું માધ્યમ બને તેવી નેમ છે.