Site icon Revoi.in

કચ્છમાં અતિવૃષ્ટિને લીધે 75 રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા

Social Share

ભૂજઃ કચ્છમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે 75 જેટલા રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેમાં કેટલાક રસ્તાઓનું નામોનિશાન પણ જોવા મળતું નથી. હવે વરસાદે વિરામ લેતા ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓને તત્કાલ અસરથી પૂર્વવત કરવા માટે માર્ગ મકાન વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.

કચ્છમાં ભારે વરસાદને લીધે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ 25 રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા 17 રસ્તાઓને યુદ્ધના ધોરણે રાત દિવસ કામગીરી કરીને શરૂ કરવામાં આવ્યા છે. તેમજ 8 રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે, જેને વરસાદી પાણી ઓસરી ગયા બાદ તુરંત મરામતની કામગીરી શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે પણ રસ્તાઓ બંધ છે ત્યાં વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા હોવાથી ગામડાઓ જિલ્લાના મુખ્યમાર્ગો સાથે કનેક્ટ છે.

કચ્છમાં ભારે વરસાદને લીધે માર્ગ અને મકાન વિભાગ, તેમજ પંચાયત હસ્તકના કુલ 75 રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું.  જોકે, અવિરત કામગીરી કરીને પંચાયત વિભાગે 48 રસ્તાઓને રિપેર કર્યા છે જેથી વાહનવ્યવહાર શરૂ થયો છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 28 રસ્તાઓ બંધ છે જેને પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. મોટાભાગના રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે પણ કોઈપણ ગામ સંપર્કવિહોણું રહે નહીં તે માટે વૈકલ્પિક રસ્તાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, નેશનલ હાઈવે વિભાગનો પણ એક રસ્તો પાણીનો ભારે પ્રવાહ પસાર થવાના લીધે બંધ છે. પાણી ઓસરી ગયા બાદ તેને પણ પૂર્વવત કરીને જાહેરજનતા માટે ખોલવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત દ્વારા 10-10 ટીમ બનાવીને નાયબ કાર્યપાલક ઈજનેરો, મદદનીશ ઈજનેરોને ફરજ સોંપવામાં આવી છે. સરેરાશ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને નાળા પુલીયાઓને જેસીબી મશીન, ડમ્પર, ટ્રેક્ટર, હિટાચી, લોડર જેવા સાધનોથી મેટલ કામગીરી કરીને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.