અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજા હવે ગણતરીના દિવસમાં વિદાય લઈ રહ્યા છે. ત્યારે રવિવારે 75 તાલુકામાં ઝાપટાંથી લઈને પાંચ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં નર્મદાના નાંદોદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. ચુડામાં રાત્રે માત્ર બે કલાકમાં જ ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. વલસાડ, બોટાદ અને નવસારીમાં પણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં ગત રાત્રે આભ ફાટ્યું હતું. રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ચુડામાં ભારે વરસાદને પગલે રાત્રે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેથી પંથકમાં અંધારપટ છવાયો હતો. 2 કલાકમાં સાર્વત્રિક વરસાદથી વાંસલ ડેમ પણ 100 ટકા ભરાઇ જતા ઓવરફ્લો થવાની શક્યતા છે. જ્યારે ભરૂચ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરે માત્ર એક કલાકમાં જ 2 ઈચ વરસાદ ખાબક્યો હતો. તેથી નિચાણવાળા કેટલાય વિસ્તારમાં પાણી ભરાયા હતા. આટલુ જ નહીં કેટલાય લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. જેથી ડોલ વડે લોકો ઘરમાંથી પાણી ઉલેચતા નજરે પડ્યા હતા. ઉપરાંત વલસાડમાં રાત્રીએ પવનના ભારે સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. શહેર નજીક ગ્રીન પાર્ક 3માં વીજ કંપનીના DP ઉપર અચાનક કડાકા સાથે વીજળી પડી હતી. જેને લઈને વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.
નવસારી જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નવસારી, જલાલપોર અને ચીખલીમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયાં હતાં. ઉપરાંત રાજકોટ શહેરમાં લાંબા સમય બાદ પાછલા સપ્તાહે બે દિવસ મામુલી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ સતત ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારે અચાનક પડેલા ધોધમાર વરસાદથી અમુક વિસ્તારના લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. જોકે આ વરસાદને કારણે ગણતરીની મિનિટોમાં જુદા જુદા રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ નહીં પડતા ગરમીનો માહોલ યથાવત જોવા મળ્યો હતો.