સામાન્ય ડાન્સર્સ સાથે સ્ટેપ્સ મેળવીને 750 દિવ્યાંગજનોએ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ- 2023 ને નવો અર્થ આપ્યો
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ- 2023 ની ઉજવણી વડોદરા માટે ખાસ એટલા માટે બની કારણ કે, અહીં સાર્વત્રિકતા અને સર્વસમાવેશકતાની ભાવનાની ઉજવણી કરવા માટે દિવ્યાંગ ડાન્સર્સે સામાન્ય ડાન્સર્સ સાથે સ્ટેજ શેર કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય હતો સમાવિષ્ટ સમાજના નિર્માણ થકી તેઓને સામાજિક જીવનના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે. ‘ઓલ મસ્ટ ડાન્સ’ શીર્ષક હેઠળ આ કાર્યક્રમ ‘વન વર્લ્ડ, વન સ્ટેજ’ ની થીમને ચિહ્નિત કરે છે અને આ અવસરની ઉજવણી કરવા માટે વિવિધ સ્થળોએથી આવતા દિવ્યાંગજનોને એક પ્લેટફોર્મ આપે છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ દિવ્યાંગજનોના ડાન્સ કાર્યક્રમમાં હાજરી આપી સમાજને મજબૂત સંદેશ આપતા આ ડાન્સર્સનો ઉત્સાહ વધાર્યો હતો.
શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ૨૯ સંગઠનોના લગભગ ૭૫૦ દિવ્યાંગજનોએ વિભિન્ન નૃત્યોમાં સામાન્ય ડાન્સર્સ સાથે તાલથી તાલ અને કદમથી કદમ મિલાવીને ડાન્સ કર્યો અને આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ- ૨૦૨૩ ને નવો અર્થ આપ્યો હતો. અને આ ઉપસ્થિતિથી દિવ્યાંગજનોએ પોતાના સામર્થ્યનો પરિચય આપી એ સાબિત કરી દીધું કે તેઓ સામાન્ય નર્તકોથી પાછળ નથી. બધા એક છે અને તમામને સન્માન સાથે જીવવાનો અધિકાર છે તેવા વિશેષ સંદેશે કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.
આ કાર્યક્રમમાં મંત્રી શ્રીમતીએ દિવ્યાંગ નર્તકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, આ દિવ્યાંગ બાળકો ઈશ્વરની રચના છે અને વિશેષ એટલા માટે છે કારણ કે તેઓમાં કોઈ લાલચ નથી. તેમણે વધુમાં કહ્યું કે, PM નરેન્દ્રભાઈ મોદીએ જે દિવ્યાંગ નામ આપ્યું છે, તે ખરા અર્થમાં સાર્થક છે.