વીજ સંકટને દૂર કરવા કાલસા ભરેલી ખાસ ટ્રેન દોડાવાશે, 750 પેસેન્જર ટ્રેનો રદ કરાઈ
નવી દિલ્હીઃ ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ છે. જેથી વિજળી સંકટને લઈને અનેક રાજ્યો ઉપર વીજ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. પાવર પ્લાન્ટ્સ પાસે માત્ર થોડા દિવસોનો કોલસો બચ્યો છે. વીજ વપરાશ અને કોલસાની અછતને ધ્યાનમાં રાખીને રેલ્વેએ આગામી એક મહિના માટે 750 પેસેન્જર ટ્રેનોની તમામ ટ્રિપ્સ રદ કરી છે. જેના કારણે કોલસાની ગાડીઓ વહેલી તકે પાવર પ્લાન્ટ સુધી પહોંચશે. કોલસાથી ભરેલી માલગાડીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. રદ કરાયેલી ટ્રેનોમાં 500થી વધુ લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રેલ્વેએ કુલ 13 મેલ અને એક્સપ્રેસ અપ/ડાઉન રદ કરી છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેની આ ટ્રેનોને 24 મે સુધી રદ કરવામાં આવી છે. પેસેન્જર ટ્રેનની વાત કરીએ તો રેલ્વેએ કુલ 8 ટ્રેનો રદ કરી છે. આવતા મહિના સુધી કુલ 21 ટ્રેનો રદ કરવામાં આવી છે. ફ્રિકવન્સી અનુસાર 753 એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. દેશના પાવર પ્લાન્ટ ખાતે ઝડપતી કોસલો પહોંચી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશમાં વીજ સંકટ ઝડપથી દૂર થાય તેનું આયોજન કરાયું છે. રેલવે દ્વારા મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવતા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.