Site icon Revoi.in

ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં ચણાના 75000 કટ્ટાની આવક, હરાજીમાં 1156નો ભાવ બોલાયો

Social Share

રાજકોટઃ ગુજરાતના સૌથી મોટા ગણાતા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી સૌરાષ્ટ્રભરના ખેડુતો કૃષિ ઉપજ વેચવા માટે આવે છે. સોમવારે યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. મંગળવારે પણ ચણાના 70 થી 75 હજાર કટ્ટાની આવક જોવા મળી હતી. જ્યારે ચણાની હરાજીમાં 20 કિલોના 1 હજારથી લઈને 1156 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. યાર્ડની બહાર બન્ને બાજુ ચણા ભરેલા 700થી વધુ વાહનોની 4-5 કિમી લાંબી લાઈનો લાગી ગઈ હતી. રેકોર્ડ બ્રેક આવક થતાં યાર્ડના સત્તાધીશોને ચણાની આવક હાલ પુરતી બંધ કરવાની જાહેરાત કરવી પડી હતી.

આ અંગે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ધૂમ આવક થઈ રહી છે.  સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર વિશ્વાસ છે. એની પાછળનું મૂળ કારણ એ છે કે, ખેડૂતે મહા મહેનતે પકવેલા પાકનો ભાવ અહીં સારો મળે છે. માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતભરમાંથી મોટી મોટી ફૂડ કંપનીઓને અહીં વેપાર માટે બોલવવામાં આવે છે. અમારો આશય એકમાત્રએ છે કે, ખેડૂતો એ પકાવેલા પોતાના માલનો પૂરતો ભાવ મળી રહે અને ખેડૂતો અહીંથી હસતા હસતા મોઢે પરત ફરે. રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી યાર્ડ જ ઘઉંની ખરીદી કરી ધરતીપુત્ર બ્રાન્ડના નામે સ્થાનિક બજારમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોને પૂરતા ભાવને ગ્રાહકોને વ્યાજબી ભાવે સારા ઘઉં મળી રહે તેવા હેતુથી આ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો ઘઉંના વેંચાણને સારો પ્રતિસાદ મળશે તો આગામી દિવસોમાં તબક્કા વાઇઝ અન્ય જણસીનું વેંચાણ પણ યાર્ડની બ્રાન્ડના નામે શરૂ કરવામાં આવશે.