Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિની શાળાઓના 752 કૂપોષિત બાળકોને મેડિકલ ચેકઅપ અને જરૂરી દવાઓ અપાઈ

Social Share

અમદાવાદ: રાજ્યમાં વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં કૂપોષણનો મુદ્દો રાજ્ય સરકાર માટે ચિંતાજનક છે. સરકાર દ્વારા બાળકોને કુપોષણની બીમારીથી બચાવવા માટે દર વર્ષે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. આંગણવાડીથી લઈને શાળાઓના બાળકોને પોષ્ટીક આહાર આપવામાં આવે છે. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં તો જન્મથી બાળકોને પુરતું પોષણ ન મળવાથી કૂપોષણનો ભોગ બનતા હોય છે. આ સમસ્યા માત્ર ગામડાં નહીં પણ શહેરી વિસ્તારોમાં પણ જોવા મળતી હોય છે. અમદાવાદ શહેરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતા 752 બાળકો કુપોષિત હોવાનું જાણવા મળ્યુ છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં 752 બાળકો કૂપોષિત હોવાની જાણ થતાં જ બાળકોનું મેડિકલ ચેકઅપ કરી તેમને જરૂરી દવા અપાઈ રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હોમીયોપેથી એસોસિયેશનના માધ્યમથી બાળકોનાં આરોગ્યની કાળજી લેવાઈ રહી છે. હોમીયોપેથી એસોસિયેશનના ડોકટરોની મદદથી કુપોષિત બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતુ. વિદ્યાર્થીઓની ઉંમર ધ્યાને લઇ તેમનું વજન ઓછું હોય, ઉંચાઈ ઓછી હોય, ભૂખ નાં લાગતી હોય એવા બાળકોને ચિન્હિત કરાયા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે, જે 752 બાળકો કુપોષિત છે, એમની દેખરેખ કરાઈ રહી છે. બાળકોમાં જે પણ કમીઓ છે તેને દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અત્યાર સુધી ત્રણ સેશન યોજી ચૂક્યા છીએ. આગામી બેથી ત્રણ મહિનામાં આ બાળકોમાં સારી એવી પ્રગતિ દેખાશે એવી આશા છે. 752 કુપોષિત બાળકોની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં જઈ કુપોષિત બાળકોને જરૂરી દવા અને પૌષ્ટિક પાવડર આપી કાળજી લેવાઈ રહી છે. હોમીયોપેથી એસોસિયેશન, કેટલીક સમાજિક સંસ્થાઓની મદદથી બાળકોની નિશુલ્ક સારવાર કરાઈ રહી છે.

અમદાવાદનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં 1 લાખ 65 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જુલાઈ મહિનામાં હોમીયોપેથી એસોસિયેશનની મદદથી તમામ બાળકોની આરોગ્યની તપાસ કરાઈ હતી. જુદા જુદા તબક્કાની તપાસ બાદ 752 બાળકોને સંપૂર્ણ ફિટ કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કમર કસી છે.