નવી દિલ્હી: દેશમાં આજે 75મા ગણતંત્ર દિવસ પર પહેલીવાર કર્તવ્યપથ પર નારીશક્તિનું અદભૂત અને અદમ્ય પરાક્રમ કૌશલ જોવા મળ્યું છે. ભવ્ય પરેડમાં મહિલાઓના શૌર્યની ઝાંખી જોઈને સૌ કોઈ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. સવારે સૌથી પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્યપથ પર ધ્વજારોહણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી છે. આના સંદર્ભે કાર્યક્રમમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેંક્રોં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મુર્મૂ અને ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મેંક્રોનું સ્વાગત કર્યું છે. ગણતંત્ર દિવસ પર પહેલીવાર નારીશક્તિનો જલવો જોવા મળ્યો.
પહેલીવાર ત્રણેય સૈન્ય પાંખની મહિલા ટુકડીઓએ પરેડમાં ભાગ લીધો છે. 15 મહિલા પાયલટ ભારતીય વાયુસેનાની ફ્લાઈપાસ્ટમાં પણ સામેલ થયા હતા. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ એટલે કે સીએપીએફની ટુકડીઓમાં પણ માત્ર મહિલાકર્મીઓ સામેલ હતી. પરેડની શરૂઆતમાં 100થી વધુ મહિલા કલાકારોએ પરંપરાગત સૈન્ય બેન્ડના સ્થાને પહેલીવાર શંખ, નાદસ્વરમ અને નગારા જેવા ભારતીય સંગીત વાદ્યયંત્ર વગાડયા હતા. ભારતના સશસ્ત્ર દળ મિસાઈલો, ડ્રોન જામર, સર્વેલન્સ સિસ્ટમ, વાહન પર લાગેલા મોર્ટાર અને બીએમપી-2 ઈન્ફન્ટ્રીના યુદ્ધવાહનો સહીત સ્વદેશી સૈન્ય હાર્ડવેરનું પ્રદર્શન પણ કર્યું હતું.
વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 16 ઝાંખીઓએ પણ પરેડમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની 9 ઝાંખીઓએ પણ કર્તવ્યપથ પર પરેડમાં ભાગ લીધો હતો. આ ઝાંખીઓ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક આપી રહી હતી. આ ઝાંખીઓ કર્તવ્ય થ પર મહિલા સશક્તિકરણની થીમને સાકાર કરી હતી. પરેડમાં 80 ટકા મહિલાઓ સામેલ હતી.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લગભગ 77 હજાર દર્શકોએ પરેડ જોઈ હતી. અહીં કમાન્ડોની તહેનાતી હતી. આકરા સુરક્ષા પ્રોટોકોલના પાલન સાથે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. કર્તવ્યપથની આસપાસ સુરક્ષા બંદોબસ્તને કારણે તે કિલ્લામાં તબ્દીલ થઈ ગયો હતો શહેરમાં 70 હજારથી વધારે સુરક્ષાકર્મીઓ તહેનાત હતા. શહેરમાં ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ગુરુવારે સાંજે 6 વાગ્યાથી કર્તવ્યપથ પર વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી કોઈપણ પ્રકારના વાહનવ્યવહાર પર રોક છે. પરેડ સમાપ્ત થવા સુધી પ્રતિબંધો ચાલુ રહેશે.