1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી
75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

0
Social Share

અમદાવાદઃ સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા  પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. આ તકે વોલિ ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને હર્ષ ધ્વનિ કરવામાં આવ્યો હતો. 

 શૌર્યની ભૂમિ પર ભારતીય તટ રક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ-ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, SRP જૂથ-8 ગોંડલ, SRP જૂથ 21 બાલાનીવાવ, ગુજરાત જેલ વિભાગ, પોરબંદર જિલ્લા પોલીસ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, અમરેલી જિલ્લા પોલીસ, ભાવનગર જિલ્લા પોલીસ, રાજકોટ શહેર મહિલા પોલીસ, જૂનાગઢ જિલ્લા પોલીસ-મહિલા, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ- મહિલા, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, જૂનાગઢ હોમગાર્ડસ, જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ(GRD), NSS શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન, જૂનાગઢ જિલ્લા NCC, જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ(SPC), એસ.આર.પી. બ્રાસબેન્ડ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાનદળની પ્લાટૂને પરેડ રજૂ કરી હતી, જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ગાંધીનગર એ.એસ.પી. અને પરેડ કમાન્ડર વિવેક ભેડાના નેતૃત્વમાં સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી.     

આજની પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ, ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટૂન અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપરાંત ૨૦ જેટલી મહિલાઓ બેન્ડમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની ૧૫ જેટલી વિદ્યાર્થિનીઓ પણ જુસ્સા સાથે કાર્યક્રમમાં જોડાઈ હતી.

હાલમાં જ યૂનેસ્કોમાં સ્થાન પામેલા ગુજરાતના લોકનૃત્ય ગરબાની રંગારંગ પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. મણીયારો, ટીપ્પણી સહિતના નૃત્યોની પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત નાગરિકો આનંદનથી ઝૂમી ઊઠ્યા હતા. આ કલ્ચરલ મેગા ઇવેન્ટમાં ચાર પ્રોફેશનલ ગ્રુપ  રાજપુત રાસ મંડળ-બાટવા, ભવાની ટિપ્પણી લોકનૃત્ય – ચોરવાડ, બ્રહ્મપુરી દાંડિયા રાસ મંડળ-માળીયા હાટીના અને ક્ષત્રિય રાજપુત લીંમડા ચોક રાસ મંડળ -માળિયા હાટીના તેમજ જૂનાગઢ જિલ્લાની 9 શાળાના 9 જૂથે પણ ભાગ લીધો હતો. કુલ મળીને 156 વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ 4 જૂથના 56 કલાકારો મળીને કુલ 212 લોકોએ વિવિધ કૃતિઓને રજૂ કરી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપ્સીમાં સવાર થઈને સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

   

આ તકે ઉત્તમ પ્રદર્શન કરનારી પ્લાટૂન અને જવાનોને રાજ્યપાલના વરદ હસ્તે અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા. જેમાં એકભારત શ્રેષ્ઠ ભારત  અંતર્ગત મધ્યપ્રદેશ બી.એસ.એફ.ની પ્લાટૂનને ઈનામી ટ્રોફી એનાયત કરાઈ હતી. પ્લાટૂનના રવિ નારાયણ મિશ્રાએ આ ટ્રોફી ગ્રહણ કરી હતી. ચેતક, મરીન, એસ.આર.પી., પોલીસ પુરુષ, જેલ વિભાગ શ્રેણીમાં ગુજરાત જેલ વિભાગની પ્લાટૂનના જે.એચ. રાઠોડને પ્રથમ રનિંગ ટ્રોફી એનાયત કરાઈ હતી.  મહિલા પોલીસ વાન, વન વિભાગ, ટ્રાફિક, ડોગ, અશ્વ, બેન્ડ શ્રેણીમાં બેન્ડ પ્લાટૂનના એ.બી.શિન્દેને દ્વિતિય રનિંગ ટ્રોફી એનાયત કરાઈ હતી. માનદ સેવા-સ્કૂલ-સંસ્થા અંતર્ગત એન.એસ.એસ. પ્લાટૂનની  કુ. તૃપ્તિ મિશ્રાને તૃતિય રનિંગ ટ્રોફી એનાયત કરી હતી. જ્યારે મહિલા કોરિયોગ્રાફી ઈવેન્ટ તૈયાર કરનારા કોરિયોગ્રાફર પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ઝાપડીયા, મોટર સાયકલ સ્ટંટ શો ટીમના શ્રેષ્ઠ રાયડર દેવીલાલ રોત, ડોગ શોના શ્રેષ્ઠ હેન્ડલર નાનુભા જાડેજા-અમદાવાદ શહેર, અશ્વ શોના શ્રેષ્ઠ અસવાર  ઈશ્વરસિંહ રાઠોડ – પીએસઆઈ-મહેસાણાને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code