નવી દિલ્હી: ભારત આ વર્ષે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યું છે. આ સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ છે. આ ગણતંત્ર દિવસ દેશવાસીઓ ખાસ કરીને મહિલાઓ માટે ઘણી દ્રષ્ટિએ ઐતિહાસિક છે. આના સંદર્ભે ગણતંત્ર દિવસ માટે ઝાંખી, પરેડ અને થીમના કેન્દ્રમાં મહિલાઓ છે. સૌથી મોટું પરિવર્તન ત્રણેય સેનાઓની એક મહિલા ટુકડી માર્ચ કરી રહી છે. તેમાં થલસેના તફથી આ માર્ચનું નેતૃત્વ કેપ્ટન શરણ્યા રાવ કરી રહ્યા છે.
પરેડમાં શું શું છે?
મહિલા આધારીત ગણતંત્ર દિવસ થીમ હેઠળ પરેડમાં પહેલીવાર મહિલાઓની ત્રિસેવા ટુકડી પણ કર્તવ્યપથ પર માર્ચ કરતી જોવા મળી રહી છે. તેમાં કેપ્ટન શરણ્યા રાવ થલસેનાની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે. કેપ્ટન શરણ્યા રાવ કર્ણાટકના કોડાગુ જિલ્લાના વતની છે. તેમના પિતાનું નામ મૈથિલી રાવ છે.
શરણ્યા રાવે બીઈ ગ્રેજ્યુએટ છે. તેમણે કર્ણાટકમાં પોન્નામપટ ખાતે કૂર્ગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. કૂર્ગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનું માનીએ, તો શરણ્યા શૈક્ષણિક, સ્પોર્ટ્સ અને અન્ય ગતિવિધિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સર્વશ્રેષ્ઠ સ્ટૂડન્ટ્સમાંથી એક હતા.
શરણ્યાને 20 નવેમ્બર, 2021ના રોજ ભારતીય સેનામાં નિયુક્તિ મળી હતી. તેમની આ નિયુક્તિ ચેન્નઈ ખાતેની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં તકનીકી શાખામાંથી લેફ્ટિનેન્ટ તરીકે થઈ હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કેપ્ટન શરણ્યા રાવે કહ્યું છે કે હું થલસેનાની ટુકડીનું નેતૃત્વ કરી રહી છું. મારા માટે આ ગર્વની વાત છે, કારણ કે આવું ઈતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે.