75મો ગણતંત્ર દિવસ: કર્તવ્યપથ પર પહેલીવાર નારીશક્તિએ ઢોલ-નગારા સાથે સમારંભનો કર્યો પ્રારંભ, 13 હજાર વિશેષ અતિથિ હાજર
નવી દિલ્હી: આખું ભારત આજે પોતાનો 75મો ગણતંત્ર દિવસ માનવી રહ્યું છે. કર્તવ્ય પથ પર વિકસિત ભારત અને ભારત લોકતંત્રની જનની છે, થીમ પર કાર્યક્રમ આયોજીત થયો છે. મુખ્ય અતિથિ તરીકે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં સામેલ થયા છે. આ સિવાય 13 હજાર જેટલા વિશેષ અતિથિઓ પણ સમારંભમાં સામેલ થયા છે. પરેડની શરૂઆત મિલિટ્રી બેન્ડના સ્થાને શંખ અને નગારાઓ વગાડીને નારીશક્તિ દ્વારા કરવામાં આવી.
સમારંભ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી, પછી રાષ્ટ્રીય સમર સ્માર પહોંચીને બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપી. તેના પછી તેઓ કર્તવ્યપથ પર પહોંચ્યા. અહીં તેમણે પરંપરાગત બગ્ગીમાં આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોંનું સ્વાગત કર્યું.
મહત્વપૂર્ણ છે કે બગ્ગીની પરંપરા ભારતમાં લગભગ 40 વર્ષ બાદ ફરીથી શરૂ થઈ છે. 1984 પછી પહેલો મોકો છે કે જ્યારે રાષ્ટ્રપતિ પરંપરાગત બગ્ગીમાં ગણતંત્ર દિવસ સમારંભ માટે રાષ્ટ્રપતિભવનથી નીકળ્યા.
કર્તવ્ય પથ પર સંપૂર્ણ કાર્યક્રમ 90 મિનિટનો છે. કાર્યક્રમની શરૂઆત આ વખતે મિલિટ્રી બેન્ડના સ્થાને શંખ-નગારાઓના ધ્વનિથી થઈ હતી. આ પરેડમાં આત્મનિર્ભર ભારતનું પ્રદર્શન કરવામાં આવ્યું. તેની સાથે જ નારી શક્તિ કેન્દ્રમાં રહી. પહેલીવાર 100થી વધુ મહિલા કલાકારોએ આ કાર્યક્રમની શરૂઆત વાદ્યયંત્ર વગાડીને કરી હતી. તેના પહેલા રાષ્ટ્રગાન સાથે 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. તેના પછી હેલિકોપ્ટર યૂનિટના ચાર એમઆઈ-17એ કર્તવ્યપથ પર હાજર દર્શકો પર પુષ્પવર્ષા કરી હતી.
પ્રજાસત્તાક દિનની પરેડનું નેતૃત્વ દુનિયાની એકમાત્ર કેવેલરી રેજીમેન્ટ દ્વારા કરવામાં આવ્યું. તેનું નેતૃત્વ મેજર યશદીપ અહલાવતે કર્યું. તેના પછી 11 મિકેનાઈઝ્ડ કોલર, 12 માર્ચિગ ટુકડીઓ અને આર્મી એવિએશન કોર દ્વારા સલામી આપવામાં આવી. પેરડ દરમિયાન 25 ઝાંખીઓ કર્તવ્યપથ પર નીકળી છે.
મહત્વપૂર્ણ છે કે ભારતના ગણતંત્ર દિવસના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ સંદેશ જાહેર કર્યો હતો. તો પીએમ મોદીએ પણ આને લઈને શુભેચ્છાઓ આપી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા, ફ્રાંસ સહીતના દેશોએ પણ શુભેચ્છા પાઠવી છે. ફ્રાંસના રાષ્ટ્રપ્રુખ ઈમેન્યુએલ મેક્રોંએ તો વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી શેયર કરતા કહ્યુ છે કે મારા દોસ્ત નરેન્દ્ર મોદી અને તમામ ભારતીયોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ. આ પ્રસંગે તમારી વચ્ચે આવીને ખુશ અને ગૌરવાન્વિત મહૂસસ કરી રહ્યો છું. ખુશીઓ મનાવો.