1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. 100 સ્માર્ટ સીટીમાં 600 કિમીથી વધુનો સાયકલ ટ્રેક બનાવાની સાથે 76000 CCTV કેમેરા લગાવાયાં
100 સ્માર્ટ સીટીમાં 600 કિમીથી વધુનો સાયકલ ટ્રેક બનાવાની સાથે 76000 CCTV કેમેરા લગાવાયાં

100 સ્માર્ટ સીટીમાં 600 કિમીથી વધુનો સાયકલ ટ્રેક બનાવાની સાથે 76000 CCTV કેમેરા લગાવાયાં

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ દેશના 100 સ્માર્ટ શહેરોમાં 600 કિલોમીટરથી વધુ સાયકલ ટ્રેક વિકસાવવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 76,000 થી વધુ સીસીટીવી સર્વેલન્સ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ મિશન હેઠળ, 6,855 “સ્માર્ટ ક્લાસરૂમ” અને 40 ડિજિટલ પુસ્તકાલયો વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત, 50 લાખથી વધુ સોલાર અને એલઇડી સ્ટ્રીટલાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને 89,000 કિલોમીટરથી વધુ અંડરગ્રાઉન્ડ પાવર કેબલ નાખવામાં આવ્યા છે. તેમ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયએ જણાવ્યું હતું.

મંત્રાલયે જણાવ્યું હતું કે, 100 સ્માર્ટ શહેરમાં, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ રૂ. 1.7 લાખ કરોડથી વધુની કિંમતના લગભગ 8,000 મલ્ટિ-સેક્ટર પ્રોજેક્ટ્સ વિકસાવી રહ્યા છે, જ્યારે 1.32 લાખ કરોડ રૂપિયાના 6,650 પ્રોજેક્ટ આ વર્ષે 15 જાન્યુઆરી સુધી પૂર્ણ થયા છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, કુલ રૂ. 13,800 કરોડથી વધુના રોકાણ સાથે 674 આર્થિક માળખાગત પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને 263 વધુ પ્રોજેક્ટ અમલમાં છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્માર્ટ શહેરોને વિકાસ કેન્દ્રો તરીકે સ્થાપિત કરવાનો છે. જે સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને માર્કેટ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ દ્વારા રોકાણ આકર્ષે અને રોજગારીનું સર્જન કરે છે.

સ્માર્ટ સિટીઝ ઈન્ડિયા એક્સ્પોમાં  મિશન ડિરેક્ટર કુણાલ કુમારે જણાવ્યું હતું કે, ઈન્ટેલિજેન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને મોનિટરિંગ સિસ્ટમ્સના એકીકરણથી માર્ગ સલામતીમાં સુધારો થયો છે. 100 સ્માર્ટ સિટીમાં 76,000 થી વધુ સીસીટીવી સર્વેલન્સ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી ગુનાખોરી અટકાવવામાં મદદ મળશે. શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે સ્માર્ટ સિટી મિશન હેઠળ, 100 સ્માર્ટ શહેરોમાં લગભગ 1,300 સ્માર્ટ મોબિલિટી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે અને 383 પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાના આરે છે. “સ્માર્ટ મોબિલિટી પ્રોજેક્ટ્સના વિકાસમાં કુલ રોકાણ રૂ. 40,000 કરોડથી વધુ છે,” નિવેદનમાં જણાવાયું છે.

“આ મિશન હેઠળ, યુનિવર્સલ એક્સેસ, યુટિલિટી ડક્ટ્સ અને યોગ્ય સંકેત સાથે 2,500 કિમીથી વધુ સ્માર્ટ રોડ વિકસાવવામાં આવ્યા છે. 2,000 કરતાં વધુ ઇલેક્ટ્રિક બસો સહિત 7,500 થી વધુ નવી બસો ખરીદવામાં આવી છે. ઉપરાંત, 600 કિલોમીટરથી વધુ 100 સ્માર્ટ સિટીમાં સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા છે.” સ્માર્ટ સિટીમાં 308 ઈ-હેલ્થ સેન્ટર અને ક્લિનિક્સ વિકસાવવામાં આવ્યા છે અને 255 હેલ્થ એટીએમ લગાવવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code