- કોવેક્સિન કોરોના સામે અસરકારક
- કોરોના વાયરસ સામે 77.8 ટકા અસરકારક
- ડેલ્ટા વેરિએન્ટ સામે આ વેક્સિન 65.5 ટકા અસરકારક
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાને માત આપવા વેક્સિન એ મહત્વનનો ફાળો આપ્યો છે, વેક્સિન એક માત્ર ઉપાય છે કે જેનાથી કોરોનાને અટકાવી શકાય છે, અને મોટે ભાગે તેમાં સફળતા પ્રાપ્ત થયેલી પણ જોવા મળી રહી છે, ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે ભારતની સ્વદેશી રસી નિર્માતા કંપની ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા અને અંતિમ તબક્કાના પરિક્ષણો પૂર્ણ કરી લીધા છે અને તેના પરિણામો પણ જાહેર પણ કરવામાં આવી ચૂક્યા છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, તેણે કોવેક્સિન માટેના અંતિમ તબક્કા -3 ના ડેટાનું વિશ્લેષણ કર્યું છે અને તેમની કોવેક્સિન કોરોનાના ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓમાં અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.
ભારત બાયોટેક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિક્ષણોના ડેટા મુજબ અંતિમ તબક્કાના ટ્રાયલમાં કોરોના સામે વ્સદેશી કોવેક્સિન 77.8 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ આ રસી વિશ્વભરમાં અત્યારે ચિંતાનું કારણ બનેલા ડેલ્ટા વેરિએન્ટ સામે 65.5 ટકા અસરકારક હોવાનું જણાયું છે.
ભારત બાયોટેકના કરવામાં આવેલા દાવા મુજબ, ” કોરોના રસીની અસરકારકતાનું વિશ્લેષણ દર્શાવે છે કે તે ગંભીર દર્દીઓ પર 93.4 ટકા સુધી અસરકારક રહ્યું છે.” તે જ સમયે, આ વેક્સિન કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટની સામે 65.2 સુધી અસરકારક છે,આ પહેલા પણ યુએસની ટોચની આરોગ્ય સંસ્થા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એ માન્યતા આપી હતી કે કોવેક્સિન માત્ર ડેલ્ટા જ નહીં, પણ અન્ય પ્રકારો સામે અસરકારક સાબિત થાય છે.