દિલ્હી: દેશમાં આજે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, દેશમાં તમામ લોકોના ચહેરા પર અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અન્ય તરફ પીએમ મોદી દ્વારા પણ દેશને સંબોધવામાં આવ્યા. પીએમ મોદીએ 10મી વખત દેશને લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું.આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
આ પહેલા પીએમ સવારે 7.08 કલાકે રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 6.15 કલાકે સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. PMએ લખ્યું- સ્વતંત્રતા દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવો, આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરીએ. જય હિન્દ!
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપતા પીએમ મોદીએ કહ્યું કે, વસ્તીની દ્રષ્ટિએ પણ આપણે નંબર વન દેશ છીએ. આટલા વિશાળ દેશના આપણા પરિવારના સભ્યો, આજે આપણે આઝાદીનો તહેવાર ઉજવી રહ્યા છીએ. દેશ અને દુનિયામાં ભારતને પ્રેમ અને આદર આપનારા કરોડો લોકોને હું આ તહેવારની ઘણી બધી શુભકામનાઓ પાઠવું છું.
તેમણે કહ્યું કે, મારા પરિવારના સભ્ય પૂજ્ય બાપુના નેતૃત્વમાં બલિદાન આપનાર અસંખ્ય વીરોને હું નમન કરું છું. તે પેઢીમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જેણે પોતાનું યોગદાન આપ્યું ન હોય. જેમણે ફાળો આપ્યો છે, ત્યાગ કર્યો છે, તપસ્યા કરી છે. હું તે બધાને આદરપૂર્વક નમન કરું છું.
આ સાથે પીએમ મોદી દ્વારા મણિપૂરની ઘટનાને પણ યાદ કરવામાં આવી અને કહ્યું કે મણિપુરમાં હિંસાનો સમયગાળો હતો. અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. મા-દીકરીઓ સાથે ખિલવાડ થયો હતો, પરંતુ થોડા દિવસોથી શાંતિના સમાચાર છે. હું ખાતરી આપું છું કે દેશ મણિપુરની સાથે છે.