સુરતમાં 79 કિલો અખાદ્ય દૂધના માવાનો નાશ કરાયો, બે મીઠાઈના વેપારીઓ સામે કાર્યવાહી કરાશે
સુરતઃ રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આ તહેવારો દરમિયાન લોકો ફરસાણ અને મીઠાઈની ખરીદી કરતા હોય છે. અને કેટલાક મીઠાઈના વેપારીઓ પણ ભેળસેળયુક્ત અખાદ્ય વસ્તુઓ ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ કરીને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. એક મીઠાંઈની દુકાન અને એક માવા ભંડારનાં સેમ્પલો ફેઈલ થયા હતાં. માવાનો જથ્થો આરોગ્યને ખતરારૂપ હોવાનો રિપોર્ટ આવતાં મ્યુનિ.ના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા દૂધના માવાના 79 કિલોના જથ્થાનો નાશ કરાયો હતો.
સુરત મ્યુનિ.કોર્પોરેશનના ફુડ અને આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો પર રેડ કરવામાં આવી હતી. જેમાં માવાના સેમ્પલ લઈને તપાસ માટે સીલ કરવામાં આવ્યાં હતાં. આ સેમ્પલને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. રિપોર્ટના આધારે મ્યુનિ. દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. એક મીઠાંઈની દુકાન અને એક માવા ભંડારનાં સેમ્પલો ફેઈલ થયા હતાં. માવાનો જથ્થો આરોગ્યને ખતરારૂપ હોવાનો રિપોર્ટ આવતાં મ્યુનિ.ના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા દૂધના માવાના 79 કિલોના જથ્થાનો નાશ કરાયો હતો. પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં હવે સુરતમાં ઝડપથી રિપોર્ટ આવી જાય છે, જેને કારણે અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં ઝડપથી નિર્ણય લઈ શકાય છે.
રક્ષાબંધન પર્વ પર મીઠાઈ ખવાઈ જાય ત્યારબાદ આરોગ્યનાં સેમ્પલ સામાન્ય રીતે આવતાં હોય છે ત્યારે હલકી ગુણવત્તાવાળો ખોરાક ખવાઈ જાય તે અગાઉ જ રિપોર્ટ આવી ગયા છે. હવે આગામી દિવસોમાં મ્યુનિ. દ્વારા આ માવાનાં દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, ગત તા. 24મીના રોજ કુલ 24 સેમ્પલ દૂધનાં માવાના લેવામાં આવ્યા હતા. હવે કાર્યવાહી થતાં લોકો અખાદ્ય માવો આરોગે તે પહેલા જ શક્ય તેટલા ઝડપથી આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી રહી છે.(file photo)