સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં પખવાડિયા પહેલા કાર રોકીને રૂપિયા 8 કરોડની લૂંટનો બનાવ બન્યો હતો. આ બનાવને પગલે શહેર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે,એસઓજીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અને ફરિયાદીની આગવી ઢબે પૂછતાછ કરતાં લૂંટનો બનાવ શંકાસ્પદ લાગ્યો હતો. લૂંટારૂ શખસોએ આવકવેરા અધિકારીના સ્વાંગમાં આવીને લૂંટ કરી હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલીને ફરિયાદીને જ આરોપી બનાવી દીધો છે. કંપનીના ફાઇનાન્સરને શેરબજારમાં કરોડોનું નુકસાન જતા તેણે જ લૂંટનું નાટક રચ્યું હતું. પાંચ લાખ આપી મિત્રો પાસે જ ખોટી લૂંટ કરાવી પોલીસને ધંધે લગાડી હતી. ખરેખર તો બેગમાં રૂપિયા નહીં, માત્ર કાગળીયા જ હતાં.
આ કેસની વિગત એવી હતી કે, સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પંદર દિવસ પહેલાં એટલે કે, તા. 27મી ફેબ્રુઆરીએ બપોરના સમયે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી સહજાનંદ ટેક્નોલોજી પ્રા.લિ. કંપનીનો કર્મચારી 8 કરોડ રૂપિયા ઉપાડી મહિધરપુરા સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં રૂપિયા મુકવા કારમાં જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં અજાણ્યા શખસે પોતે આવકવેરાનો અધિકારી હોવાની ઓળખ આપી કાર ઊભી રખાવી હતી અને બંદૂકની અણીએ ગાડીમાં સવાર થઈ ગયો હતો. કર્મચારીને બાનમાં લઈ અપહરણ કરી વરીયાવ બ્રિજના નાકા સુધી લઈ જઈ તમામને કારમાંથી ઉતારી કાર લઈ નાસી ગયો હતો. આઠ કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા.
સુરત શહેર પોલીસે આ લૂંટ કેસમાં ત્વરિત તપાસ હાથ ધરીને સીસીટીવી અને બાતમીદારોની બાતમીના આધારે આરોપી રોહિત વિનુ ઠુમ્મરને પકડ્યો હતો. રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી. જેમાં રોહિતે પોલીસને કહ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાળા અને નરેન્દ્ર દૂધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દૂધાત પર શંકા હતા. રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર ભાંગી પડ્યો હતો અને હકીકત જણાવી દીધી હતી. નરેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે, શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે લૂંટનું નાટક રચ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ અને કતારગામ પોલીસની ઉંઘ ઉડાવનારી આઠ કરોડની લૂંટ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ દ્વારા શરૂઆતથી જ પૂછપરછ દરમિયાન પોલીસને ગોથે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રારંભિક પૂછપરછમાં નરેન્દ્ર દુધાત ગોળગોળ જવાબ આપતો હતો, પરંતુ અંતે તે તુટી પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, કંપનીમાંથી તેણે આઠેક કરોડ રૂપિયા અગાઉથી જ વાપરી નાંખ્યા હતા અને તેને કારણે આ લૂંટનું નાટક રચ્યું હતું. જેના ભાગરૂપે તેણે કતારગામ સેઈફ વોલ્ટમાંથી રોકડ રકમ મહિધરપુરા સેઈફ વોલ્ટમાં ટ્રાન્સફર કરવાના બહાને વાનમાં રોકડ રકમની જગ્યાએ કાગળના બંડલો થેલાઓ મુક્યા હતા. ત્યારબાદ બે મિત્રોના સહયોગથી લૂંટનું નાટક રચ્યું હતું.