Site icon Revoi.in

મેશ્વો નદીમાં ડુબી જવાથી 8ના મોત, PM મોદીએ કરી આર્થિક સહાયની જાહેરાત

Social Share

અમદાવાદઃ દહેગામમાં વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેકડેમમાં 10 જેટલાં લોકો ન્હાવા કૂદ્યા હતા અને આ દરમિયાન જ ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ડૂબવાની ઘટનાના પીડિતો માટે અનુગ્રહ રકમની જાહેરાત કરી છે. દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે તથા ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયએ X પર પોસ્ટ કરવામાં આવ્યું હતું, જે અનુસાર, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ડૂબી જવાની ઘટનામાં દરેક મૃતકના સંબંધીઓ માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયાની અનુગ્રહ રકમની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”

વાસણા સોરઠી ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેથી ગામમાં ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવાના હતા. તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી નદીએ પહોંચી ન્હાવા માટે કૂદ્યા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતાં જોઇ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત નિપજતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 2 લોકો ગુમ હોવાથી શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું.

સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર આ યુવાનો વાસણા- સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી 4-5 યુવાનો કાકા-બાપાના દિકરા છે જ્યારે અન્ય મિત્ર યુવાનો છે. આ અરેરાટીભરી ઘટનાથી ગામમાં ગમગીનીભર્યું વાતાવરણ સજાર્યું છે. પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

ગામડાના સ્થાનિકોએ ગામના લોકોને જ્યારે આ ઘટનાની જાણ થઇ તો ઊહાપોહ મચી ગયો હતો અને મોટાભાગના લોકો દોડી આવ્યા હતા અને ડૂબી જનારા યુવાનોને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આ દરમિયાન જ નદીમાં ગણેશ વિસર્જન કરનારા લોકો મદદ કરવા દોડી આવ્યા હતા. અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવતા માહોલ ગમગીન બન્યો હતો.