કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં 26 જુલાઈ સુધી ડેન્ગ્યુના કારણે આઠ લોકોના મોત થયા છે, જ્યારે 4,401 લોકો તેનાથી સંક્રમિત થયા છે.
તેમણે ડેન્ગ્યુના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે આ વર્ષે ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે કારણ કે પંચાયતો પરિસ્થિતિને કાબૂમાં કરી શકી નથી. તેમણે કહ્યું કે પંચાયતો ચૂંટણી બાદ બોર્ડની રચના કરી શકી નથી. તેમણે કહ્યું કે ડેન્ગ્યુ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ન થાય તો કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ડેન્ગ્યુ સામેની લડાઈમાં અડચણ આવી રહી છે. તેમણે ખાનગી હોસ્પિટલોને પૈસાની ચિંતા કર્યા વિના દર્દીઓની સારવાર કરવા જણાવ્યું છે.
બેનર્જીએ કહ્યું કે જો હોસ્પિટલ હેલ્થ કાર્ડ સ્વીકારવાનો ઇનકાર કરશે તો તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મોટાભાગના કેસ ઉત્તર 24 પરગણા અને નાદિયા જિલ્લામાંથી આવી રહ્યા છે.
આ દરમિયાન, ભાજપના સભ્યોએ સ્પીકર બિમન બંદોપાધ્યાયને ગૃહમાં ડેન્ગ્યુના મુદ્દા પર ચર્ચા કરવા માટે સમય આપવા વિનંતી કરી હતી, પરંતુ તેમની વિનંતીને નકારી કાઢવામાં આવતા તેઓએ વોકઆઉટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે,દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવાને કારણે જળમગ્ન થયેલા વિસ્તારોની વચ્ચે હવે ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. ગયા અઠવાડિયે, ડેન્ગ્યુના 56 નવા કેસ નોંધાયા હતા, જે કેસની કુલ સંખ્યા 240 થી વધુ થઈ ગઈ છે.