Site icon Revoi.in

છત્તીસગઢના 8 જિલ્લા નક્સલગ્રસ્ત, 10 વર્ષમાં ત્રણ હજારથી વધારે હુમલા

Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢ સરકારના આંકડા અનુસાર રાજ્યના આઠ જિલ્લા નક્સલગ્રસ્ત છે. જેમાં બીજાપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કાંકેર, નારાયણપુર, રાજનંદગામ અને કોંડાગામનો સમાવેશ થાય છે. દસ વર્ષમાં છત્તીસગઢમાં નક્સવાદી હુમલામાં 489 જવાનો શહીદ થયાં છે જ્યારે 736 જેટલા સામાન્ય નાગરિકોના મૃત્યુ થયાં છે. બીજી તરફ સુરક્ષા જવાનોએ અભિયાન હાથ ધરીને 656 નક્સલીઓને ઠાર માર્યાં હતા. આજે છત્તીગગઢમાં થયેલા હુમલા બાદ આ ઓપરેશનને વધારે વેગવંતુ બનાવવામાં આવશે.

છત્તીસગઢમાં નક્સલવાદીઓનો સુરક્ષા જવાનો ઉપર હુમલોઃ 10 જવાનો શહીદ, એક નાગરિકનું મૃત્યુ

ગૃહ વિભાગે એપ્રિલ 2021માં લોકસભામાં જણાવ્યું હતું કે, દસ વર્ષના સમયગાળામાં છત્તીસગઢમાં 3722 જેટલા નક્સલી હુમલા થયાં છે. જેમાં 489 જવાનો શહીદ થયાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ 656 નક્સલીઓને ઠાર માર્યાં છે. જ્યારે નક્સલી હુમલામાં 736 જેટલા સામાન્ય નાગરિકોના મોત થયાં છે. વર્ષ 2016માં સૌથી વધારે 136 નક્સલીઓને ઠાર માર્યાં હતા. જ્યારે વર્ષ 2018માં 125 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. જે હેઠળ અત્યાર સુધીમાં અનેક આતંકવાદીઓ અને નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. દરમિયાન આજે છત્તીસગઢમાં થયેલા હુમલાને પગલે સ્થાનિકોએ નક્સલીઓની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ઉત્તરભારતના અનેક રાજ્યો નક્સલવાદી પ્રવૃતિઓનો સામનો કરી રહ્યાં છે, કેન્દ્ર સરકાર અને સ્થાનિક સરકારો દ્વારા આ પ્રકારની પ્રવૃતિને અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ નક્સલવાદીઓ અને આતંકવાદીઓને આર્થિક મદદ કરનારા શખ્સો સામે પણ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.  

(PHOTO-FILE)