પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આજે મંગળવારે ભારે વરસાદ પડ્યો છે. જેમાં જિલ્લાના લાખણી તાલુકામાં આઠ ઈંચથી વધુ, તેમજ સુઈગામ અને વાવમાં ત્રણ ઈંચથી વધુ, તથા પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. લાખાણીમાં તો માત્ર બે કલાકમાં સાંબેલાધારે સાડા છ ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી માટે એનડીઆરએફના જવાનોને તૈનાત કરાયા છે. જ્યારે સરહદી વિસ્તાર નડાબેટનો રણ વિસ્તાર દરિયામાં ફેરવાયો હોય તેમ ચારેબાજુ પાણી પાણી જ જોવા મળી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ થતા અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રણ વિસ્તારમાં પાણી ભરાઈ જતા દરિયા જોવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો હતો. નડાબેટનો રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદભુત દ્રશ્યો સર્જાયા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે મંગળવારે વહેલી સવારે સરહદી વિસ્તાર ગણાતા સુઇગામ, નડાબેટ અને વાવ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. થરાદ, વાવ, નડાબેટ વિસ્તારમાં રહેતા લોકોને નિચાણવાળા વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું છે.
બનાસકાંઠાના સુઈગામમાં સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટ પાસે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં રાત્રીના ભારે પવન ફૂંકાતા એક વિશાળ પીપળનું વૃક્ષ ધરાશાયી થયું હતું. એક કાર પર પડતા કારને નુકસાન થયું હતું.
બનાસકાંઠામાં જિલ્લામાં ભારે વરસાદને લઈને જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, લાખણી તાલુકામાં 2 કલાકમાં સાડા છ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદ હોવા છતાં કોઈ જાનહાનીના સમાચાર નથી આવ્યાં. SDRFની ટીમ ડીસામાં સ્ટેન્ડબાય રાખી છે. તમામ ગામોમાં અમારી ટીમો કાર્યરત છે અને કોઈપણ સમસ્યાને પહોંચી વળવા તૈયાર છીએ. કન્ટ્રોલ રૂમ પણ સતત કાર્યરત છે. હું તમામ ગામડાઓના લોકોને અપીલ કરુ છું કે, પશુઓને બાંધી રાખવાના બદલે ખોલીને રાખે જેથી પાણી ભરાય તો એ સુરક્ષિત સ્થળે જઈ શકે.