Site icon Revoi.in

જામકંડોરણામાં 8 ઈંચ વરસાદ, નાના વડાળા ગામે સ્કુલબસમાં ફસાયેલા બાળકોને બચાવી લેવાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુરૂવારે રાત્રે 10 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 200 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડ્યો હતો જેમાં રાજકોટના જામકંડોરણામાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડા, રાજકોટના ઉપલેટા, લોધીકામાં પણ ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે નાના વડાળા ગામમાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. ગામના કોઝવે પરથી ખાનગી શાળાની બસ તણાઈ હતી. બસમાં સવાર 8 વિદ્યાર્થિનીઓ અને બે શિક્ષકોના જીવ પડીકે બંધાયા હતા. ગામલોકોને જાણ થતા ગામલોકોએ બસમાં સવાર વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે પણ 200 તાલુકામાં હળવાથી ભારે વરસાદના ઝાંપટાં પડ્યા હતા, રાજકોટના જામકંડોરણામાં 8 ઈંચથી વધુ વરસાદ પડતા નદી નાળાં છલકાયા હતા. કાલાવડના નાના વડાળા ગામના કોઝવે પરથી ખાનગી શાળાની બસ તણાઈ જતા બસમાં સવાર વિદ્યાર્થિનીઓ જીવ બચાવવા બસની છત પર ચડી ગયા હતા. તમામ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને બચાવવા માટે ગામલોકો અને ફાયરબ્રિગેડ દ્વારા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નાના વડાળા ગામમાં કોઝવે પરથી જ્યારે બસ તણાઈ ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીની વચ્ચે ફસાયેલી બસ સુધી પહોંચવું મુશ્કેલ હતું. જેથી ગામલોકો અને ફાયરબ્રિગેડ દ્વારા દોરડાની મદદથી બસને બાંધી દેવામાં આવી હતી. જેથી પાણીના પ્રવાહમાં બસ આગળ તણાઈ ન જાય. બસમાં સવાર વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો બસ પર બેસી જતા ગામલોકોએ દોરડાની મદદથી તમામને ઉગારી લીધા હતા.