જયપુરઃ રાજસ્થાનના ટોંક જિલ્લામાં પૂરઝડપે પસાર થતા ટ્રેલર અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં મધ્યપ્રદેશના એક જ પરિવારના આઠ સભ્યોના મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વર્ષની એક બાળકીનો ચમત્કારીક બચાવ થયો હતો. મધ્યપ્રદેશનો પરિવાર રાજસ્થાનના શેખાવટી સ્થિત ખાટુંશ્યામજીના દર્શન કરીને પરત જતો હતો ત્યારે આ માર્ગ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ટોંક જિલ્લાના નેશનલ હાઈવે પર પક્કાબંધા વિસ્તારમાં પૂરઝડપે પસાર થતું ટ્રેલક ધડાકાભેર જીપકાર સાથે અથડાયું હતું. જેથી જીપમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં બે મહિલા અને બે બાળકો સહિત 8 વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.