દિલ્હીઃ રાજધાનીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધારે ચાર કેસ સામે આવ્યાં છે. આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ આ જાણકારી આપી હતી. હવે દિલ્હીમાં ઓમિક્રોનના કેસનો આંકડો વધીને 6 ઉપર પહોંચ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ ઓમિક્રોનના વધારે ચાર પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આમ ભારતમાં ઓમીક્રોનના કેસના આંકડો વધીને 49 ઉપર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 20 કેસ સામે આવ્યાં છે. રાજસ્થાનમાં 13, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 3, દિલ્હીમાં 6, કેરલમાં એક, આંધ્રપ્રદેશમાં એક અને ચંદીગઢમાં એક કેસ નોંધાયો છે.
દિલ્હીમાં ઓમિક્રોનના એક દર્દીને લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાં હાલ કોવિડના 35 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 3 શંકાસ્પદના દર્દીઓની સારવાર ચાલી રહી છે. એલએનજેપી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.સુરેશ કુમારે જણાવ્યું હતું કે, ઓમિક્રોન પીડિત દર્દીની 10 દિવસની સારવાર બાદ રિકવરી આપી છે. દર્દીએ રસીના બંને ડોઝ લીધા હતા. દર્દીનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં આયરલેન્ડથી પરત ફરેલી એક વ્યક્તિ 11મી ડિસેમ્બરના રોજ ઓમિક્રોન સંક્રમિત મળી આવી હતી. આ વ્યક્તિ 27મી નવેમ્બરના રોજ ભારત આવ્યાં હતા. 14 દિવસ બાદ કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને હોમ ક્વોરન્ટીનમાં છે.
ગુજરાતમાં પણ કોરોનાના નવા વિરેએન્ટ ઓમિક્રોનના ચાર કેસ મળી આવ્યાં છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. છેલ્લા ચારેક દિવસથી દરરોજ સરેરાશ 50થી વધારે કેસ સામે આવી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.