અમદાવાદમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 48 થઈ
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેના પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. દરમિયાન આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદ શહેરમાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયાં હતા. ગઈકાલની સંરખામણીમાં નવા પોઝિટિવ કેસ ઓછા નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના નવરંગપુરા, બોડકદેવ, મણિનગર, પાલડી અને વટવામાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 48 ઉપર પહોંચી છે. જો કે, રાહતની વાત એ છે કે, 24 કલાકમાં 6 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં કોવિડ-19નો એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. તમામ દર્દીઓ હાલ હોમ આઈસોલેટ છે. આજે જે આઠેય દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે તેમના પરિવારજનોના પણ જરુરી રિપોર્ટ કરવામાં આવ્યાં છે. આઠ પૈકી બે દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે. આ દર્દીઓએ અમદાવાદ બહાર વિસનગર અને આણંદનો પ્રવાસ કર્યો હતો.
અમદાવાદ શહેરમાં કોરોના વધારે ના ફેલાય અને પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે મનપા તંત્ર દ્વારા ટેસ્ટીંગની પ્રક્રિયાને તેજ બનાવવામાં આવી છે. કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં પણ જરુરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રજાને કોરોનાથી ડરવાને બદલે સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.