સુરત અને વડોદરાની બે શાળાના 8 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, વિદ્યાર્થીઓ-વાલીઓમાં ફફડાટ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીએ ફરીથી માથું ઉચક્યું છે. તેમજ પોઝિટિવ કેસ પણ ધીમે-ધીમે વધી રહ્યાં છે. બીજી તરફ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન સુરત અને વડોદરાની બે સ્કૂલમાં 8 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સ્કૂલો ધીમે-ધીમે સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર શરૂ કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન સુરતના નાના વરાછાની એક સ્કૂલમાં ધો-7માં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિભાગ દ્વારા 14 દિવસ માટે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ સ્કૂલમાં સેનેટાઈઝની કવાયત તેજ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેતા અન્ય વિદ્યાર્થીઓનો પણ ટેસ્ટ કરવામાં આવશે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. સ્કૂલને એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે. એક જ સ્કૂલના 3 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં પણ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન 86 જેટલા ઘરોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. બીજી તરફ મનપા દ્વારા ડોર ટુ ડોર સર્વે અને સ્કીનિંગની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.