પોઇચા ખાતે નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા
- નર્મદા નદીમાં ડુબેલા 8 વ્યક્તિઓમાં 3 બાળકોનો સમાવેશ
- સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવ્યો
- અન્ય સાત વ્યક્તિઓની યુદ્ધના ધોરણે શોધખોળ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નદી અને દરિયામાં ડુબવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. બે દિવસ પહેલા દાંડીના દરિયામાં છ વ્યક્તિ ડુબ્યાં હતા. જ્યારે વડોદરામાં કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોના ડૂબી જવાની ઘટના બની હતી. દરમિયાન આજે પોઈચા ખાતે નર્મદા નદીમાં એક જ પરિવારના આઠ વ્યક્તિઓ ઉંડાપાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે, સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવી લીધી હતી. જ્યારે અન્ય સાત વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી. નર્મદા નદીમાં ડુબેલા સાત વ્યક્તિઓમાં 3 નાના બાળકોનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જિલ્લાના ચાણોદ તાલુકામાં આવેલા પોઇચામાં ફરવા માટે ગયા હતા.જ્યાં પોઇચા (રાણીયા) ગામમાં આવેલી નર્મદા નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા હતા. દરમિયાન નદીમાં એક પછી એક તમામ 8 લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકો ડૂબતા આબાદ બચાવ્યો હતો. જ્યારે અન્ય 7 હજુ પણ લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી હતી. પોલીસ દ્વારા પરિવારની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી છે.