બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીને લીધે 8 ટ્રેનો 12મી ફેબ્રુઆરી સુધી રદ,
રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે કાલે 2જી ફેબ્રુઆરીથી 12મી ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. જેમાં 8 ટ્રેન સંપૂર્ણ પણે રદ, 11 ટ્રેન આંશિક રદ રહેશે. 6 ટ્રેન રિશિડ્યૂલ કરાઈ છે અને 6 તેના નિયત સમય કરતા મોડી ઉપડશે.
રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ બિલેશ્વર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. તેના લીધે વડોદરા-જામનગર ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી, જામનગર-વડોદરા ઇન્ટરસિટી 4થી 12 ફેબ્રુઆરી, રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 7થી 11 ફેબ્રુઆરી, ઓખા-વેરાવળ એક્સપ્રેસ 6થી 11 ફેબ્રુઆરી, વેરાવળ-ઓખા એક્સપ્રેસ 7થી 12 ફેબ્રુઆરી, અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11 ફેબ્રુઆરી અને ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત 11 ટ્રેન આંશિક રદ કરાઈ છે જેમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ 2થી 10 ફેબ્રુઆરી સુધી સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રદ રહેશે.
આ ઉપરાંત ઓખા-ભાવનગર એક્સપ્રેસ 3થી 11 ફેબ્રુઆરી ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ 2થી 10 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-હાપા વચ્ચે અને હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ 3થી 11 ફેબ્રુઆરી હાપા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ રહેશે. વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 3થી 11 ફેબ્રુઆરી સુધી વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-જામનગર હમસફર 6થી 10 ફેબ્રુઆરી વાંકાનેર-જામનગર વચ્ચે રદ રહેશે. તેમજ જામનગર-બાંદ્રા હમસફર 7થી 10 ફેબ્રુઆરી જામનગર-વાંકાનેર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા 6થી 10 ફેબ્રુઆરી સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે રદ રહેશે. વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા 7થી 11 ફેબ્રુઆરી વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. રેવા-રાજકોટ 6 ફેબ્રુઆરીએ વાંકાનેર-રાજકોટ વચ્ચે રદ રહેશે.