ગાંધીનગરઃ ગુજરાતમાં એસટી નિગમ સંચાલિત હજારોની સંખ્યામાં એસ ટી બસોને રોજબરોજ સાફ સફાઈ કરવી પડતી હોય છે. તેના માટે સમય અને ખર્ચ પણ કરવામાં આવતો હોવા છતાંયે બસને પૂર્ણ રીતે સ્વચ્છ કરી શકાતી નથી. આથી હવે એસટી નિગમે રૂપિયા 12 કરોડના ખર્ચે 80 જેટલા ઓટોમેટેડ ક્લિંનિંગ મશીન ખરીદવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એસ.ટી.બસમાં સફાઈને લઈને મુસાફરોની સૌથી વધારે ફરિયાદ કરતા હોય છે. આવી સ્થિતિમાં ખાનગી બસ સંચાલકોને ટક્કર આપવા અને એસટી બસમાં સ્વચ્છતા જાળવવા માટે એસટી નિગમ 12 કરોડથી વધુના ખર્ચે 80 ઓટોમેટેડ ક્લિનિંગ મશીનની ખરીદી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત એસટી કોર્પોરેશન રાજ્યમાં પ્રતિદિન 25 લાખથી વધુ મુસાફરોને તેમના સ્થાને પહોંચાડે છે. દરરોજનો આટલા મોટા ટ્રાફિકને સેવા આપવી તે પણ પડકારરૂપ છે. આમ છતા છેલ્લા કેટલાક સમયથી એસ.ટી.એ એડવાન્સ્ડ બુકિંગ,ખાનગી લક્ઝરી કોચ સાથે કોન્ટ્રાકટ કરીને સેવામાં સુધારો કર્યો છે. હજુ પણ આ સેવાને વધુ આરામદાયી બનાવવા માટે એસ.ટી. નિગમ એક પછી એક પગલા લઈ રહ્યું છે. આ પૈકી એસ.ટી. નિગમે સફાઇને ખાસ લક્ષ્ય રાખીને બસ સ્ટેન્ડ અને એસ.ટી.બસ ચોખ્ખી જોવા મળે તે માટે પગલા લેવાનું નક્કી કર્યુ છે. હવે ઓટોમેટિક મશીનથી ગણતરીની મીનીટોમાં જ એસટી બસને સાફ કરી શકાશે.
નિગમના સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસ.ટી.બસ અને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા માટે મુસાફરો પણ તેટલા જ જવાબદાર છે. ઘણા મુસાફરો દ્વારા ગંદકી કરવામાં આવતી હોય છે. કેળા કે કોઈ ફ્રુટ આરોગીને તેની છાલ પણ બસમાં સીટ નીચે ફેંકી દેતા હોય છે. આથી મુસાફરોમાં જાગૃતિ આવે તે પણ જરૂરી છે. એસ.ટી.નિગમે પોતાની ફરજ સમજીને એસ.ટી. નિગમમાં બસ અને બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જળવાઇ તે માટે પગલા ભરશે. એસ.ટી.નિગમમાં અત્યારે બસ ક્યારે બહારથી કે અંદરથી સાફ થાય તેનું કોઇ નિશ્ચિત ટાઇમ ટેબલ નથી. બસનો ક્રમ આવે ત્યારે બસની સફાઇ થાય. પરિણામે એસ.ટી.માં મુસાફરી કરતા મુસાફરો ગંદકીનો સામનો કરવો પડે છે. એસ.ટી.નિગમે એસ.ટી.ની નિયમિત સફાઇ બહારથી થાય તે માટે 80 ઓટોમેટિક વ્હિલક ક્લિનિંગ મશીન વસાવશે અને તેને દરેક ડેપો પર મૂકાશે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, ઓટોમેટિક ક્લિનિંગ વ્હિકલ મશીન આશરે રૂ. 15 લાખનું એક આવે છે. આવા 80 મશીન એસ.ટી.નિગમ ખરીદશે. આ મશીન પાછળ ઓછામાં ઓછો રૂ. 12 કરોડનો ખર્ચ થશે. આ મશીનથી એસ.ટી. બસમાં સ્વચ્છતા જળવાશે. એસ.ટી.ને ખાસ રાજકોટ-અમદાવાદ,જામનગર-અમદાવાદ, સુરત-અમદાવાદ વચ્ચે ચાલતી ખાનગી લકઝરી બસ સાથે સ્પર્ધા છે. આ સ્પર્ધામાં ટકી રહેવા માટે સ્વચ્છતાને પણ લક્ષ્ય રાખીને નિગમ ક્લિનિંગ મશીન ખરીદી રહ્યું છે. નિગમ પાસે અત્યારે તે મશીન છે તે 20 વર્ષ પહેલા ખરીદાયેલા હતા. હવે નવી ટેક્નોલોજીના મશીન આવી ગયા હોવાથી જૂના મશીન આઉટ ઓફ ડેટ થઇ ગયા છે અને યોગ્ય રીતે ચાલતા પણ નથી. આથી નવા મશીનની ખરીદી કરાશે.