પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં થરાદમાં સતત વરસાદને કારણે રોડ-રસ્તા પર ગંદકીના થર જામી ગયા હતા. ગંદકીથી રોગચાળો ન ફાટી નીકળે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અંગત રસ લઈને અમદાવાદ મ્યુનિ. પાસે મદદ માગી 80 જેટલા સફાઈ કામદારોની સેવા લઈને શહેરભરમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે. આગામી ચાર દિવસ માટે આ સફાઈ અભિયાન ચાલશે.
સૂત્રોના જણાવ્યા મુજબ થરાદમાં ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર કીચડ અને ગંદકીના થર જામ્યા હતા. ગંદકીને લીધે રોગચાળો ફાટી નિકળવાની દહેશત પણ ઊભી થઈ હતી. સ્થાનિક નગરપાલિકા પાસે પુરતી વ્યવસ્થા ન હોવાથી આ સંદર્ભે સ્થાનિક ધારાસભ્ય એવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ફરિયાદો મળતા તેમણે અમદાવાદ મ્યુનિ.80 સફાઈ કામદારોને સફાઈ અભિયાનમાં જોતર્યા છે.આ સફાઈ અભિયાન થરાદ શંકર ચૌધરીની સીધી દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન, થરાદ નગર પાલિકા તેમજ થરાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સંયુક્ત રીતે આ મહા સફાઈ અભિયાનનું કામ પાર પાડવામાં આવશે. સવારથી જ થરાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.સી.સી વિભાગના કેન્ડિડેટો દ્વારા કુલ છ ટીમ પાડીને થરાદના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી છે.બપોર પછી અમદાવાદ મહાનગર મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ તેમજ 80 સફાઈ કામદારો પણ થરાદ ખાતે આવી ગયા હતા. જેમનું થરાદ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ટીમ પણ આવતાવેંત સફાઈ અભિયાનમાં જોડાઇ ગઇ હતી. આ સમગ્ર કાર્યક્રમ પર થરાદ ભાજપા કાર્યકરો મોનીટરીંગ કરી રહ્યા છે.